અમદાવાદ: રાજયમાં હજુ પણ આગામી ૭૨ કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિતના ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યકત કરાઇ છે. આવતીકાલે તા.૨૨મી ઓગસ્ટ અને ગુરૂવારે તા.૨૩મી ઓગસ્ટે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરાઇ છે.
આ સિવાય સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતી પ્રવર્તી રહી છે જેના લીધે ભારે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝપટા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જારી રહેવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના સૂરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને જુનાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જેથી આ તમામ વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.