અમદાવાદ : રાજ્ય સરકાર દ્ધારા ૨૫૦થી ૪૦૦ મિલી જેટલો ઓછો વરસાદ થયો હોય તેવા ૪૫ તાલુકાઓને રાજય સરકારે અછતગ્રસ્ત જાહેર કરી વાવેતર-બિયારણ વગેરેના નુકશાનમાં ખેડૂતોને વળતર-સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા કહ્યું કે, એક તાલુકામાં અંદાજે રૂ.૨૮થી ૩૦ કરોડ પ્રમાણે કુલ ૧૩૦૦ કરોડની સહાય રાજ્ય સરકારના બજેટમાંથી કરવામાં આવશે. અગાઉ રાજયના ૫૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા હતા, આમ આજના ૪૫ સાથે મળી રાજયના કુલ ૯૬ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયા છે.
એટલે કે, રાજયના ૪૪ ટકા તાલુકાઓ અછતગ્રસ્તની યાદીમાં આવી ગયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર ધ્વારા અગાઉ ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે. આ તાલુકાઓમાં ૧ ડિસેમ્બરથી અછતની કામગીરી શરૂ કરી ઘાસચારો, પાણી, મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવશે. ૨૫૦ મિલીથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા આ તાલુકાઓમાં ભારત સરકારના ધારાધોરણ પ્રમાણે કુલ રૂ.૫૦૬૧ કરોડ જેટલો ખર્ચ થશે. જયારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી અછત સમિતિની બેઠકમાં વિવિધ રજુઆતો અંગે ચર્ચા કરી અન્ય તાલુકાઓને પણ અછત જેવી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ૨૫૦થી ૪૦૦ મિલી જેટલો વરસાદ પડ્યો હોય તેવા ૪૫ તાલુકાઓમાં બિયારણ-વાવેતર સુકાઈ ગયું હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકારના બજેટમાંથી સહાય આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ ત્રણ ભાગ પાડી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ૨૫૦થી ૩૦૦ મિલી વરસાદ પડ્યો હોય તેવા ૧૪ તાલુકાઓમાં એક હેકટર દીઠ રૂપિયા ૬૩૦૦ આપવામાં આવશે. જયારે ૩૦૦થી ૩૫૦ મિલી વરસાદ પડ્યો હોય તેવા ૧૨ તાલુકાઓમાં હેક્ટર દીઠ રૂપિયા ૫૮૦૦ તેમજ ૩૫૦થી ૪૦૦ મિલી વરસાદવાળા ૧૯ તાલુકામાં રૂપિયા ૫૩૦૦ આપવામાં આવશે. સરકાર દ્ધારા અગાઉ ૫૧ અછતગ્રસ્ત તાલુકાઓ માટે રૂપિયા ૫૦૬૧ કારોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે આ ૪૫ તાલુકાઓ માટે રૂપિયા ૧૩૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. આ ઉપરાંત ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવા ઉપરાંત ઘાસચારા પાછળ બોજો પડશે.