અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં સ્વાઇન ફુલનો ભરડો ખતરનાક અને ગંભીર રીતે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ દિવસમાં સ્વાઇન ફલુની પરિસ્થિતિ ચિંતાજનક હદે વણસી છે અને ૧૧ લોકોના તેના કારણે મોત નીપજયા છે. જેને લઇ હવે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર સરકારી તંત્ર દોડતું થયું છે.
હાલ રાજયમાં સ્વાઇન ફલુના ૨૨૫થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, તો ૩૭૫થી વધુ પોઝીટીવ કેસો નોંધાયા છે. સ્વાઇન ફલુના ભરડાને લઇ હવે દોડતી થયેલી સરકારે તાત્કાલિક અસરથી રાજયભરમાં સ્વાઇન ફલુના મુદ્દે સર્વેલન્સની કામગીરી આશાવર્કર બહેનોને કામગીરી સોંપી છે.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ વકરી રહી છે દવાખાનાંઓ વાઈરલ, તાવ, શરદી સહિતના રોગની ફરિયાદ સાથેના દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે ત્યારે આરોગ્ય વિભાગે રોગચાળા નિયંત્રણની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ સહિત રાજ્યભરના તબીબી અધિકારીઓ, ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરી છે અને તંત્ર બીજો આદેશ ન કરે ત્યાં સુધી કોઈ પણ મેડિકલ સ્ટાફની રજા મંજૂર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી હોÂસ્પટલો અને દવાખાનામાં તાત્કાલિક અસરકારક સેવા પૂરી પાડવા અને રોગચાળાની પરિસ્થિતિનું નિવારણ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે રજા ઉપર ગયેલા તમામ સરકારી ડોકટરો અને અન્ય મેડિકલ સ્ટાફને પણ પરત ફરજ પર બોલાવી લેવાયા છે. હવેથી આકસ્મિક સંજોગોમાં પણ મેડિકલ સ્ટાફ કે ડોકટરે રજા લેવી હશે તો આરોગ્ય કમિશનર પાસેથી રજા મંજૂરી લેવી પડશે.
ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૩૦૧ કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા છે, જેમાં મૃત્યુ આંક ૧૧ નોંધાયા છે. ૧૦૭ દર્દીઓ સારવાર બાદ સજા થયા છે જ્યારે ૧૮પ સ્વાઈન ફ્લૂના દર્દીઓ હજુ જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
આ અંગે આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે રોગચાળાની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કામગીરી ઘનિષ્ઠ બનાવવાના ભાગરૂપે અને દર્દીને ર૪ કલાકમાં સારવાર મળી રહે તે માટે તેમજ સર્વેલન્સની કામગીરી અસરકારક બની રહે તે માટે મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ જેવા રોગચાળાના પગલે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં મેલ અને ફીમેલ હેલ્થ વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ રેપિડ ફીવર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રજાઓમાં પણ આ કામગીરી ચાલુ રહેશે.
અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં અત્યાર સુધી ૩ર લાખ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. તેમના લોહીના નમૂનાઓ લઈને દવાઓનું વિતરણ કરાયું છે. સરકારના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદ શહેર સહિત વિવિધ જિલ્લા-તાલુકાઓમાં રોગચાળો ફેલાતો અટકાવવા ખાસ કરીને સ્વાઇન ફલુના નિયંત્રણ, તેને લઇ રાખવાની સાવચેતી સહિતના પગલા બાબતની જાગૃતિ ફેલાવવા પત્રિકા વિતરણ, ઉકાળા વિતરણ સહિતની અન્ય કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગોંડલમાં સગર્ભા મહિલા સ્વાઈન ફ્લુના સકંજામાં આવી ગઈ છે. જ્યારે વડોદરામાં એકનું મોત થયું છે. કેટલાક નવા કેસ પણ નોંધાયા છે.