અતિ મહત્વકાંક્ષી એવા સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં દેશના ૧૦૦ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ૬ શહેરો માટે કુલ રૂા. ૧૨,૧૫૮ કરોડના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે, તેમ આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
દેશના શહેરોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી શહેરી જીવનની ગુણવત્તામાં મોટા પ્રમાણમાં સુધાર લાવવો તે સ્માર્ટ સીટી મિશનનો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર દ્વારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત ગુજરાત માટે મંજૂર કરવામાં આવેલી રકમમાં અમદાવાદ સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા.૧૮૨૧ કરોડના ૪ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા. ૬૭૧ કરોડના ૬ કામો, સુરત સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા. ૧૮૦૨ કરોડના ૪૦ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા. ૭૯૫ કરોડના ૧૯ કામો, વડોદરા સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા. ૧૬૭૬.૫૬ કરોડના ૪૯ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા. ૩૩૨.૮૦ કરોડના ૧૨ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટ સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા. ૨૧૭૭.૪૬ કરોડના ૮ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા. ૪૪૫.૫૫ કરોડના ૬ કામો, ગાંધીનગર સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા.૧૨૨૦ કરોડના ૨૬ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા.૧૮૮ કરોડના ૦૬ કામો તેમજ દાહોદ સ્માર્ટ સીટી માટે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ રૂા. ૮૫૭ કરોડના ૨૧ કામો તેમજ પાન સીટી હેઠળ રૂા. ૧૭૨ કરોડના ૧૫ કામો એમ મળીને કુલ ૨૧૨ કામો માટે રૂા. ૧૨,૧૫૮ કરોડના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ અમદાવાદ શહેર માટે રૂા. ૩૯૫.૭૫ કરોડ અને સુરત શહેર માટે રૂા. ૩૯૫.૭૫ કરોડ તેમજ વડોદરા શહેર માટે ૨૧૦.૫૦ કરોડ એમ કુલ રૂા. ૧૦૦૨ કરોડ સ્માર્ટ સીટી માટે ફાળવવામાં આવ્યા છે. તેમ મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી મિશન અંતર્ગત બે ઘટકો જેમાં એરિયા બેઈઝડ ડેવલપમેન્ટ એટલે કે કોઇ ચોક્કસ વિસ્તારને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ઘટકમાં પેન સીટી ડેવલપમેન્ટ તરીકે સંપૂર્ણ શહેરને લાભ આપતી આઇ.ટી. અથવા ઇ-ગર્વનન્સની બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂા.૪૮,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ મિશન અંતર્ગત વિવિધ રાજ્યોના આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત શહેરો, પાટનગર શહેરો, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક મહત્વ ધરાવતા ૧૦૦ શહેરોને ‘સ્માર્ટ સીટી’ તરીકે વિકસાવવામાં આવશે. પંસદગી પામેલા દરેક શહેરને પાંચ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ રૂા. ૧,૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જ્યારે, કેન્દ્ર – રાજ્ય સરકારની અન્ય યોજનાઓમાંથી તથા પી.પી.પી.ના ધોરણે અન્ય રકમ ઉભી કરવામાં આવશે.