અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ૧૫ દિવસથી સારો એવો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૩૩ જિલ્લાના ૨૧૬ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ ૩૭ ઈંચ વરસાદ સાથે સીઝનનો કુલ ૧૧૪ ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ ૨૦૧૭નો રેકોર્ડ તૂટી ગયો છે. ૨૦૧૭માં સીઝનનો કુલ ૧૧૨ ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે હજુ વરસાદી માહોલ જામેલો હોવાથી વરસાદની ટકાવારી હજુ વધશે તે નક્કી છે. ૨૦૧૩માં રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ ૧૨૮ ટકા નોંધાયો હતો. રાજ્યના ૨પ જિલ્લામાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ નોંધાઇ ચૂકયો છે.
ઈંચની દ્રષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ વલસાડ જિલ્લામાં ૧૦૮ ઈંચ જ્યારે સૌથી ઓછો બનાસકાંઠા જિલ્લામાં ૨૧ ઈંચ વરસાદ પડ્યો છે. તો, રાજયના મુખ્ય શહેરો અમદાવાદમાં સીઝનનો કુલ ૨૮ ઇંચથી વધુ, વડોદરામાં ૬૭ ઇંચ, રાજકોટમાં ૫૬ અને સુરતમાં ૬૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા, રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ ભરૂચ જિલ્લામાં ૧૫૦ ટકા પડ્યો છે. ભરૂચ જિલ્લામાં સિઝનનો કુલ ૧૦૬૨ મિ.મી. એટલે કે ૪૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે મહિસાગર જિલ્લામાં સૌથી ઓછો ૫૬૦ મિ.મી એટલે કે ૨૨ ઈંચ વરસાદ સાથે સીઝનનો ૭૪.૭૬ ટકા વરસાદ પડ્યો છે.
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ, બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીનાં પગલે ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ૬૯૭ મિ.મી એટલે કે ૨૮ ઈંચ જેટલો ૮૦ ટકા વરસાદ નોંધાયો છે. તેમજ વડોદરા શહેરમાં ૧૬૮૦ મિ.મી એટલે કે લગભગ ૬૭ ઈંચ વરસાદ સાથે ૧૭૦ ટકા વરસાદ પડ્યો છે. તેમજ રાજકોટ શહેરમાં ૧૪૦૦ મિ.મી એટલે કે ૫૬ ઈંચ વરસાદ સાથે ૧૯૦ ટકા વરસાદ પડ્યો છે. જે ૭૦ વર્ષના ઈતિહાસનો સૌથી વધુ વરસાદ છે.
જ્યારે સુરત શહેરમાં ૧૫૦૩ મિ.મી એટલે કે ૬૦ ઈંચ વરસાદ સાથે ૧૧૩ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ૨૫૧ તાલુકાઓમાંથી ૬૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૫૧ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઈંચ અને ૩૫ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૭૦ ઈંચ વરસાદ સાથે કુલ ૧૨૩ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો સતત બે વર્ષ નબળા રહ્યાં બાદ ૨૩ ઈંચ વરસાદ સાથે આ વર્ષે સીઝનનો કુલ ૧૪૬ ટકા વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં ૨૫ ઈંચ સાથે મૌસમનો સૌથી ઓછો ૯૦ ટકા અને મધ્ય ગુજરાતમાં કુલ ૩૪ ઈંચ સાથે ૧૦૪ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૩૦ ઈંચ વરસાદ સાથે સીઝનનો ૧૧૨ ટકા વરસાદ નોંધાયો છે.