અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં પાણીની તીવ્ર અછત પહેલાથી જ પ્રવર્તી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોનસુનને લઇને કરવામાં આવેલી આગાહીથી ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે નોર્મલ મોનસુન વરસાદ રહેશે નહીં. વરસાદ પ્રમાણમાં ઓછો રહેશે. નિયર નોર્મલ માટેની આઈએમડીની આગાહીથી ચિંતા વધી ગઈ છે. મોનસુનમાં એક સપ્તાહનો વિલંબ પણ દર્શાવવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં મોનસુન ફરી એકવાર નિરાશ કરશે કે કેમ તેને લઇને ચિંતા શરૂ થઇ ગઇ છે. ગયા વર્ષે ગુજરાતમાં નોર્મલ વરસાદ કરતા ઓછો વરસાદ થયો હતો જેથી દરેકના મનમાં આ પ્રશ્ન ફરી આવી રહ્યો છે કે, નિયર નોર્મલનો અર્થ ઓછો વરસાદ સાથે રહી શકે છે. આઈએમડીએ કહ્યું છે કે, ભારતમાં વરસાદ એલપીએના ૯૬ ટકાની આસપાસ રહી શકે છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન છઠ્ઠી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે. આઈએમડી ગુજરાતના ટોચના અધિકારીઓનું કહેવું છે કે, કેરળમાં મોનસુન બેસી જવા માટેની તારીખ પહેલી જૂન દર્શાવવામાં આવી છે જેથી ગુજરાતમાં પહોંચવામાં એક સપ્તાહથી વધુનો વિલંબ થઇ શકે છે. ગુજરાતમાં વરસાદને લઇને પહેલાથી જ ચર્ચા થઇ રહી છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં ૧૧ જિલ્લાઓના ૯૬ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તીવ્ર પાણીની તંગીનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ખેડૂત સમુદાય મોનસુન બેસી જવા અને વરસાદના પ્રમાણને લઇને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સરોવરોમાં પણ પાણી ઓછું રહ્યું છે. આવી સ્થિતિ મોનસુનની સ્થિતિ ચિંતા ઉપજાવી રહી છે. વરસાદમાં વિલંબના લીધે પણ ગુણવત્તાની સાથે સાથે સિંચાઈના જથ્થા ઉપર અસર થઇ શકે છે. ખેડૂતોનું કહેવું છે કે, મગફળીના પાક માટે પાણી ખુબ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વાવણીના ૪૫ દિવસ સુધી સારો વરસાદ જરૂરી રહે છે. અપુરતો વરસાદ રહેશે તો કુલ વાવણીને અસર થઇ શકે છે. આવી જ રીતે કપાસના કેસમાં પણ અસર થઇ શકે છે. મોટાભાગના ખેડૂતો આવો જ અભિપ્રાય આપી રહ્યા છે.