વ્યક્તિ ઈચ્છે તો શું ન કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બન્યા છે. ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ વિધાનસભા બની છે, હવેથી તેમાં કોઈ કામ કાગળ પર નહિ થાય. ટેબલેટ પર ધારાસભ્યો પોતાની વાત રજૂ કરી શકશે. ત્યારે પેપરલેસ વિધાનસભા બનતા ગુજરાતના એક ધારાસભ્ય મૂંઝવણમાં મૂકાયા હતા. પોતે ઓછું ભણેલા હોવાથી આ ટેકનોલોજી તેમના માટે કામની ન રહી, પરંતુ હવે તેમને તેનો તોડ શોધી કાઢ્યો છે. ટેબલેટ પર ચિત્રો રજૂ કરીને તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાને ઈ વિધાનસભા બનાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા પેપરલેસ બનતા કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ પણ મૂંઝવણમાં મુકાયા હતા. પરંતું પોતે ઓછુ ભણેલા હોવાથી કાયમ વિધાનસભામાં ચિત્રોના આધારે પોતાની વાત રજૂ કરે છે. જોકે હવે પેપરલેસ થતાં તેઓની મૂંઝવણ વધી હતી, પણ ઓછું ભણેલા ધારાસભ્યએ ટેકનોલોજીનો અનોખો રીતે ઉપયોગ કર્યો. ટેબલેટની ટેકનોલોજીનો ઉપયોગ તેઓએ ચિત્રો દોરીને કર્યો. પોતાના મતવિસ્તારના પ્રશ્નો હવે ટેબલેટમાં ચિત્ર દોરીને પોતાની વાત કરે છે. ગઈકાલે જ વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે તેઓએ પોતાની વાત ચિત્રોના આધારે કરી હતી. આ વિશે તેઓ કહે છે કે, વિધાનસભા હવે ચાર દિવસ છે. તેના પછી નહિ હોય. મને મારા વિસ્તારના ખેડૂતોની સમસ્યા રજૂ કરવાની હતી.
પ્રાકૃતિક ખેતીનો વિષય રજૂ કરવાનો હતો, તેથી મેં તેને લગતા ચિત્રો ટેબલેટ પર દોર્યા હતા. ખેડૂતોની લાઈટનો પ્રશ્નો હોય તો હું થાંભલા દોરું છું. ટેબલેટ પર તેઓ જાતે જ ચિત્રો દોરે છે, અને આ ચિત્રોના આધારે પોતાની વાત રજૂ કરી છે. આ એક નોખો પ્રયાસ કહી શકાય. અત્યાર સુધી તેઓ કાગળ પર ચિત્રો દોરી પોતાની વાત રજૂ કરતા હતા, હવે કાગળનું સ્થાન ટેબલેટે લીધું છે. આ ઉપરાંત તેમણે એક રસપ્રદ બાબત કહી હતી, જે બિપોરજોય વાવાઝોડાને લગતી છે. તેઓ કહે છે કે, બિપોરજોય મને બોલતા ન આવડે, તેથી હું પિપર ચોકલેટ પાસે રાખું. એટલે પિપરજોય. કચ્છના જખૌમાં વાવાઝોડાનું એપિસેન્ટર હતું, તેથી અસરગ્રસ્ત વિસ્તારની વાત કરવાની હોય તો મેં આ શબ્દ બનાવ્યો હતો. ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત વિધાનસભામાં મૂકાઈ ત્યારે પ્રધ્યુમનસિંહના મનમાં પણ મોટી મૂંઝવણ હતી. પરંતું તેઓએ સરળ રસ્તો શોધી કાઢ્યો. ભગવાને તેમને ચિત્રો દોરવાની જે કુદરતી કલા આપી છે તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની વાત ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરે છે. કોઈ પણ સમસ્યા આવી હોય તો તેનું સોલ્યુશન પણ મળી જ જાય છે.