ભારતમાં સૌ પ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ ૭ સેવાઓ નાગરિકો માટે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા વર્ષ ૨૦૧૭થી વેબ આધારિત સૉફ્ટવેર વાહન ૪.૦ અને સારથી ૪.૦ જેવા ઓનલાઈન પોર્ટલનું અમલીકરણ કરીને નાગરિકોને ઘરેબેઠાં જ દસ્તાવેજો અપલોડ કરવાની અને ઓનલાઈન ફી ભરવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં, વાહન ૪.૦ પોર્ટલ મારફતે ઇ-એન.ઓ.સી., ઇ-પેમેન્ટ, ઇ-ઓકશન અને ઇ-ડેટા થકી વાહનનો નોંધણી નંબર, ફી, એપ્રુવલ, ઓનલાઇન અરજીનું સ્ટેટસ તેમજ તેની SMS દ્વારા જાણ જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહી છે. જ્યારે સારથી ૪.૦ની મદદથી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત આ પોર્ટલ મારફતે આરટીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જુદી જુદી ફી-ટેક્સ ઓનલાઇન ભરી શકાય છે.
ગુજરાતમાં લાયસન્સ સંબંધિત વધુ ૧૨ સેવાઓ અને વાહન સંબંધિત ૮ સેવાઓ આધાર ઈ-KYC થકી ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ થયેથી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી. કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan ‘અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે. અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે Point of Sale (POS) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, IT બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી Ease of Doing Business માં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવિંગની ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં અગાઉ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવતા હતા. પરંતુ નાગરિકોને ઘરઆંગણે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી શિખાઉ લાયસન્સની કામગીરી વર્ષ ૨૦૧૯થી રાજ્યભરની ૨૨૧ આઇ.ટી.આઇ. તથા ૧૦ પોલીટેકનીક કક્ષાએથી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે વર્ષે અંદાજે ૮ લાખ લોકોને તાલુકા કક્ષાએ જ સરળતાથી શિખાઉ લાયસન્સની સેવાનો લાભ મળી રહ્યો છે. વધુમાં, વાહનના નંબરની હરાજીની આવક પણ મહત્વની હોવાથી આ કામગીરી ઇ-ઓકશન પદ્ધતિથી કરવામાં આવે છે, જેનાથી વાહન ચાલકોને પોતાના મનપસંદ નંબર મળવા સહિતની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શકતા આવી છે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.રાજ્યના નાગરીકોને આરટીઓ કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. વાહન વ્યવાહ કચેરી દ્વારા ૮૦ ટકા સેવા ઓનલાઇન કરવામાં આવી છે. જેથી આરટીઓ કચેરી ખાતે સેવાઓ માટે નાગરીકોની રૂબરૂ મુલાકાતમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થશે.