અમદાવાદ: શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં ગુજરાતે તેની પરંપરા ફરી જાળવી રાખી છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દ્વારા વર્ષ ૨૦૦૨થી પ્રથમ ક્રમે રહ્યું છે.
વર્ષ ૨૦૧૪માં ભારતના રાજ્યો દ્વારા ૩,૩૮,૫૦૦ યુવાનોને રોજગારી સામે ગુજરાત ૨,૯૦,૮૦૦ યુવાનોને (૮૬ ટકા) રોજગારી પૂરી પાડવામાં આવી છે. લેબર બ્યુરો, ચંદીગઢના અહેવાલ મુજબ સમગ્ર ભારતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ પચાસ છે જેની સામે ગુજરાતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ નવ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ સૌથી નીચો છે.
ઠાકોરે ઉમેર્યું કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે જેના પરિણામે વર્ષ ૨૦૧૩થી જુલાઇ ૨૦૧૮ સુધીમાં રોજગાર કચેરી મારફતે ૧૮,૪૯,૫૬૫ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તે પૈકી ૧૧,૪૧,૦૮૪ ઉમેદવારોને ભરતી મેળામાં રોજગારી પૂરી પડાઇ છે. રાજ્ય સરકારની રોજગાર કચેરીઓમાં જુલાઇ-૨૦૧૮ સુધીમાં કુલ ૫,૧૧,૫૬૩ રોજગાર વાંચ્છુ ઉમેદવારો નોંધાયા છે. મંત્રીએ ઉમેર્યું કે, અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૩ના પ્રસિદ્ધ આંકડાઓ અનુસાર સમગ્ર ભારતમાં ૩૧,૭૦૦ અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી. જેની સામે ગુજરાત સરકાર દ્વારા ૧૮,૮૫૦ (૫૯ ટકા) અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. એ જ રીતે અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે.
તદ્અનુસાર વર્ષ ૨૦૧૩ના પ્રસિદ્ધ આંકડા અનુસાર સમગ્ર ભારતમાં ૨૧,૦૬૦ અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવેલ. જેની સામે ગુજરાત દ્વારા ૧૮,૮૪૦ (૮૯ ટકા) અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના પરિણામે મહિલા ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ભારતમાં ૬૦,૭૯૬ મહિલા ઉમેદવારોને પુરી પાડવામાં આવેલ રોજગારી સામે ગુજરાત સરકાર દ્વારા ૪૮,૭૬૯ (૮૦ ટકા) મહિલા ઉમેદવારોને રોજગારી પુરી પાડી ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે.
છેલ્લા ૧૦ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૦૮ થી વર્ષ ૨૦૧૭ સુધીમાં ૮૭૯૫ ભરતી મેળા યોજવામાં આવ્યા અને તેમાં ૧૪ લાખ ૨૧ હજાર ૧૦૧ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષે આવા ૯૦૦ રોજગાર મેળા થકી ૩ લાખ ઉમેદવારોને રોજગારી પુરી પાડવાનો લક્ષ્યાંક છે, ૫૭૬ ઔદ્યોગિક ભરતી મેળા યોજવામાં આવ્યા અને ૧ લાખ ૩૧ હજાર ૪૩૨ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે.