અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ‘મેઈક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમની સફળતાથી રોકાણકારો માહિતગાર થઇને પ્રેરિત થાય, એટલું જ નહીં આ અભિયાનને વેગ આપવા અને સંભવિત વિવિધ ક્ષેત્રોમાં વિકાસની તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ‘મેઈક ઈન ઈન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ‘મેઈક ઈન ઈન્ડિયા’ માટે સમગ્ર દેશને રાહ ચીંધવાની ક્ષમતા ધરાવે છે.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો તેમજ ઈઝ આૅફ ડુઈંગ બિઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવાં તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત સેમિનારમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ની સિદ્ધિઓ અને ‘મેઈક ઈન ઈન્ડિયા’, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ, ઈન્ડસ્ટ્રીયલ પાર્કસ અને ઈન્ડસ્ટ્રી સહિતના વિવિધ વિષયો પર ઉચ્ચસ્તરીય ચર્ચાઓ યોજાશે. નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૮ જાન્યુઆરી ના રોજ ઉદ્દઘાટન સત્ર બાદ ‘મેક ઇન ઇન્ડિયા’ વિષય પર વિશેષ સેમિનાર યોજાશે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશનના સચિવ રમેશ અભિષેક મુખ્ય વક્તવ્ય આપશે. આ ઉપરાંત નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર અલ્કેશ શર્મા, કેપીએમજી ઇન્ડિયાના ચેરમેન અને સીઈઓ અરૂણ કુમાર, ઇમર્સન ઓટોમેશન સોલ્યુશન્સના પ્રેસિડન્ટ માઇકલ ટ્રેન, સુઝલોન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી સહિત ટોચના ઉદ્યોગપતિઓ ચર્ચામાં ભાગ લેશે.
બે સત્રોમાં વિભાજિત સેમિનારના પ્રથમ સત્રમાં ઈઝ આૅફ ડૂઇંગ બિઝનેસ પર ચર્ચા હાથ ધરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયત્નો અને સુસંગત નીતિની પહેલથી આજે ભારતે ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઝડપી પ્રગતિ કરી છે. ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગમાં વર્ષ ૨૦૧૪માં ભારતનો ક્રમ ૧૪૨ મો હતો જે ૬૫ જેટલો આગળ વધીને વર્ષ ૨૦૧૮ માં ૭૭ મા ક્રમે રહ્યો છે. દેશમાં ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવા માટે ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ અને નિયમનકારી વાતાવરણ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સરળતા વધારવા અને મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ – ૨૦૧૪માં ફ્લેગશીપ પહેલ ‘મેઈક ઈન ઈન્ડિયા’ નો સફળ શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ‘મેઈક ઈન ઈન્ડિયા’ ફ્લેગશીપ કાર્યક્રમ કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને તેની સરળ પ્રક્રિયા રજૂ કરે છે. મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગના ૨૫ પેટા-ક્ષેત્રોનાં સમાવેશથી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં નવીન રોકાણોને અવકાશ મળ્યો છે, જેના પરિણામ સ્વરૂપે દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો રોજગારીની તકોનું સર્જન થયું છે.