મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને વેચ આપવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકારના બધા વિભાગોની ચેલેન્જીસના સોલ્યુશન આર્ટિફિશિયલ ઇન્ટીલીજન્સ દ્વારા લાવી શકાય તે હેતુસર રાજ્યની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઇનોવેસન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કોન્ફરન્સ યોજી બધાના ઇન્વોલ્વમેન્ટથી આ ચેલેન્જીસના ઉપાયો આપણે લાવવા છે. તેમણે જ્ઞાન વિજ્ઞાન અને શોધ સંસાધનના ઉપયોગથી અને આઈટી ક્ષેત્રના નવા સંશોધનો દ્વારા માનવજાતના કલ્યાણ માટે ગુજરાત અગ્રેસર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખયમંત્રીએ ગુજરાત સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-૨૦૧૯ને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે, યુવાનોની શક્તિ-સામર્થ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબના નવા ભારતના નિર્માણમાં યુવાનોની અહમ ભૂમિકા બની રહેવાની છે.
તેમણે કહ્યું હતું કે, આજના યુવાનોમાં પુરતી સાહસ, ધગશ અને કંઇક નવું શોધવાની તમન્ના છે ત્યારે યુવાનોને બળ આપવા આવી સમિટના ચર્ચા-મંથન ખુબ ઉપયોગી બની રહેશે. શોધ-સંશોધનની જરૂરિયાત સમજાવવા તેમણે કહ્યું હતું કે, જરૂરિયાત ઉભી થાય તો વિચાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે. ગુજરાત સ્વાસ્થ્ય, ઉર્જા, ખેતી, દવા, કાપડ, સેવાક્ષેત્ર અને ઉદ્યોગોમાં અગ્રેસર છે ત્યારે નવા સંશોધનો દ્વારા માનવ વિકાસ માટેની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાશે.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વિજ્ઞાનમાં નવા પ્રયોગો હોય છે પરંતુ તેમાં નિષ્ફળતા હોતી નથી. સતત પ્રયોગથી સફળતા જ મળે છે. તેમણે આજની સમિટમાં થનારા ચર્ચા-મંથન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત દેશમાં અગ્રેસર રહેશે તેવી મક્કમતા વ્યક્ત કરી હતી.