અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જો કે, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ ગુપ્તાને જાળવી રાખવામાં આવ્યા છે.
જ્યારે આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિની પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી તથા ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગનો વધારાનો હવાલો સંભાળી રહેલા પંકજ જોશીને જીયુવીએનએલમાંથી હવે સંપૂર્ણ રીતે પ્રિન્સિપલ સેક્રેટરી અને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.