સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. જામકંડોરણામાં પહેલીવાર જ કોઈ વડાપ્રધાને આ રીતે જાહેરસભાને સંબોધન કરી છે ત્યારે તેમને સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વડાપ્રધાને જનમેદનીને સંબોધન કરતાં કહ્યું કે મારી દૂરની નજર બહુ જ મજબૂત છે એટલા માટે દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતમાં શું થઈ રહ્યું છે બધું જ મને દેખાઈ રહ્યું છે. સાથે સાથે તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર એવો ધારદાર હુમલો પણ કર્યો કે લોકોને લૂંટી લેનારા લૂંટારાઓને હું છોડવાનો નથી અને જેટલું તેઓ લૂંટી ગયા છે તે બધું જ પરત લઈ આવીશ પછી ભલે એ લોકો મને ગમે એટલી ગાળો આપે કે મારી ટીકા કરે. મોદીએ ગુજરાતના વખાણ કરતાં એવું પણ કહ્યું કે આ રાજ્ય હવે તપી તપીને સોનું બની ગયું છે.કંડોરણાની ધરતી ઉપર આવું એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાની યાદ આવ્યા વગર રહેતી નથીઃ જયપ્રકાશ નારાયણ અને નાનાજીરાવ દેશમુખને પણ કર્યા યાદઃ ‘રંગ રાખ્યો કાઠિયાવાડે’ કહી વડાપ્રધાને ઉમેર્યું, આ ભૂમિ જલારામ બાપાની ભૂમિ છે, મા ખોડિયારની ભૂમિ છે. વડાપ્રધાને પોતાના સંબોધનનો પ્રારંભ ભારત માતા કી જયના ઉદ્ઘોષ સાથે કર્યો હતો. આ પછી તેમણે કહ્યું કે જામકંડોરણામાં આવું ક્યારેય જોયું નથી. તેમણે કહ્યું કે મેં આજે જ અખબારમાં વાંચ્યું કે હું પહેલો વડાપ્રધાન છું જે જામકંડોરણા આવ્યો છું. આમ તો મારે એવા અનેક કામ કરવા પડ્યા છે જે પહેલાં કોઈએ જ કર્યા નથી. આ પછી તેમણે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતાં કહ્યું કે અહીં આવું એટલે તેમની યાદ આવ્યા વગર રહેતી નથી. ત્યારબાદ મોદીએ દેશના બે મહાપુરુષો જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જન્મજયંતી પ્રસંગને યાદ કરાવતાં કહ્યું કે આ બન્નેના આદર્શ હજુ પણ મને તેમજ આખા દેશને પ્રેરણા આપી રહ્યા છે. આ બન્નેના પગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આ પછી તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર તેને આડેહાથ લેવાનું શરૂ કરતાં કહ્યું કે આજે પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કાર્યવાહી કરો એટલે એક ટોળું કાગારોળ મચાવવા લાગે છે. અરે, તમારા ઉપર જે આરોપો લાગ્યા છે, તમે જે કારનામા કર્યા છે તેનો તો જવાબ આપો. પછી કંઈ ના મળે એટલે એજન્સીઓને બદનામ કરવા લાગે છે પરંતુ એક વાત યાદ રાખજો હું તમારી પાસેથી બધું જ પાછું લઈ લઈશ પછી ભલે મારી ગમે એટલી ટીકા કરો કે મને ગાળો આપો રાજકોટ જિલ્લાની મુલાકાતે હોય અને વડાપ્રધાન રાજકોટને યાદ ન કરે તેવું બની શકે જ નહીં તેમ મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલાં મેં મુખ્યમંત્રી-વડાપ્રધાન તરીકેના મારા ૨૧ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે મારા રાજકીય જીવનની શરૂઆત મેં રાજકોટથી જ કરી હતી એ વાત ક્યારેય ભૂલી શકાશે નહીં.
રાજકોટ શહેરે જ મને આશીર્વાદ આપીને આ સ્થાન સુધી પહોંચાડ્યો છે. બીજું એ કે અહીં પ્રવેશતાં જ મને કરશન બાપાના આશીર્વાદ મળી ગયા છે. આ ભૂમિ આપણા જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે, મા ખોડિયારની ભૂમિ છે તેવું પણ મોદીએ ભારપૂર્વક ઉમેર્યું હતું. મોદીએ લોકોને એવી અપીલ પણ કરી કે ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર-ભૂપેન્દ્રનો નહીં બલ્કે આખા ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતનો આત્મવિશ્વાસ અત્યારે ચરમ પર છે. આખી દુનિયામાં અત્યારે રાજ્યનો ડંકો વાગી રહ્યો છે પરંતુ યુવાનોને એ નહીં ખબર હોય કે તેમના મા-બાપ કેવી હાલતમાં જીવતા હતા. બે દાયકા પહેલાં ગુજરાતને વિકાસની વાત જ ખબર નહોતી પડતી. જો કે ભાજપે ૨૦ વર્ષની અંદર બધું જ બદલી નાખ્યું છે. રાજકોટમાં ટ્રેનમાં પાણી આવતું એ દિવસો હજુ સુધી કોઈ ભૂલ્યું નહીં હોય, વાર-તહેવાર હોય એટલે લોહીની નદીઓ વહેવા લાગતી એટલા કપરા દિવસો ગુજરાતીઓએ જોયા છે પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને તેને બદલવાનું કામ લોકોના આશીર્વાદથી ભાજપની સરકારે કરી બતાવ્યું છે.