પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે ત્યારે આવી ઘટનાઓ દરમિયાન રાજ્યના નાગરિકને સહેજ પણ આર્થિક કે શારિરીક નુકશાન થાય તેવા તમામ કિસ્સામાં તેની પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે.
તાજેતરમાં ગુજરાત થી પસાર થયેલા બીપરજોય વાવાઝોડાથી ગુજરાતના જે ૧૦ અસરગ્રસ્ત જીલ્લાઓમાં નુકશાન થયું હતું તેવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત કુલ રૂ.૧૧.૬૦ કરોડની ત્વરીત નુક્શાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ ત્વરિત સહાયની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, કેશડોલ્સના ૧,૧૨,૬૫૩ કેસોમાં રૂા.૩.૫૨ કરોડની સહાય , ઘરવખરીના ૩૯૫ કેસોમાં રૂા.૨૦.૨૭ લાખની સહાય, પશુ સહાયના ૨,૮૫૮ કેસોમાં રૂા.૪.૪૧ કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના ૯૧૪ કેસોમાં રૂા.૧.૧૪ કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના ૨,૧૦૧ કેસોમાં રૂા.૧.૬૮ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
તદ્ઉપરાંત ઝુંપડા સહાયના ૨૫૭ કેસોમાં રૂા.૨૧.૮૨ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના ૬ કેસોમાં રૂા.૫.૧૦ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના ૨૪ કેસોમાં રૂા.૧૩.૪૦ લાખની સહાય, ઢોરના શેડની સહાયના ૪૩૨ કેસોમાં રૂા.૨૦.૭૭ લાખની સહાય તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વાવાઝોડા દરમિયાન ૧૫ વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે રૂ. ૭૨ હજાર મળીને કુલ રૂ. ૧૧ કરોડ ૬૦ લાખથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.