ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા આયોજિત દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત જોબ મેળો તથા એલ્યુમની મીટ તારીખ 24 ઑક્ટોબર,2024 ના રોજ બપોરે 12 કલાકે ઑડિટોરિયમ હોલ, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારે 450 લાભાર્થી યુવાઓને નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા. સાથે જ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) એ ગ્રામિણ વિસ્તારોના યુવાઓને રોજગારીના અવસર મેળવવા માટે કૌશલ્ય વિકસાવવાની રાષ્ટ્રીય પહેલ છે. DDU-GKY 18 થી 35 વર્ષના ગ્રામીણ કક્ષાના ગરીબ યુવકો અને યુવતીઓને તેમની ક્ષમતાના વિકાસ માટે અનોખા અવસર પૂરા પાડે છે. આ યોજનાનો હેતુ માત્ર તાલીમ પૂરું પાડવો જ નથી, પરંતુ તેમને સંગઠિત ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે યોગ્ય બનાવવાનો છે, જેથી તેઓ પોતાની અને પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા રૂ.6000/- માસિક પગાર સાથે રોજગારીની બાહેંધરી પણ આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુનિફોર્મ, અભ્યાસ સાહિત્ય બેગ અને નોન-રેસિડેન્શિયલ તાલીમમાં મુસાફરી ભથ્થા તથા રેસિડેન્શિયલ તાલીમમાં રહેવા-જમવાની મફત સુવિધાઓ ઉપલબ્ધ છે.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) હેઠળ અત્યાર સુધીમાં 30,000 થી વધુ યુવકો અને યુવતીઓને વિવિધ કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 23,000 થી વધુને સફળતાપૂર્વક રોજગારી મળી છે. આ યોજનામાં ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, ફિટર, વેલ્ડર, રિટેલ સેલ્સ એસોસિયેટ, જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ, બ્યુટી એન્ડ વેલનેસ, BPO વોઇસ અને નોન-વોઇસ, ઓટોમોટિવ એસેસરીઝ, સિક્યુરિટી ગાર્ડ, સ્યૂઇંગ મશીન ઓપરેટર, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસીસ, ઇલેક્ટ્રીશિયન, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી જેવા વિવિધ ક્ષેત્રોમાં Sector Skill Council (SSC) (સેક્ટર સ્કિલ કાઉન્સિલ) દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને આમ તેમનું ભવિષ્ય સુધારવાનું તથા ગામડાઓના વિકાસનું આ કાર્ય ગુજરાત સરકાર બખૂબી કરી રહી છે