આજે ૧લી મે એટલે આપણાં ગરવા ગુજરાતનો જન્મદિવસ.ઇ.સ. 1956માં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ બૃહદ મુંબઇમાંથી ગુજરાતી ભાષા બોલતા ગુર્જર પ્રદેશને અલગ કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યું અને ૧લી મે 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી આપણું ગુજરાત અલગ થયુ અને સાબરમતી આશ્રમમાં મુકસેવક અને મુઠીઉંચેરા માનવી એવા રવિશંકર મહારાજના શુભ હસ્તે આપણા નવા રાજ્યનું ઉદ્દઘાટન થયું અને આજે એ વિરલ ઐતિહાસિક ઘટનાને જોત જોતામાં 58 વર્ષ પૂર્ણ થઈ ગયા.
હા,આજે આપણા ગુજરાતનો 58મો જન્મદિવસ છે.આ 58 વર્ષ દરમિયા ગુજરાતે દેશ અને દુનિયાને એવી ભેંટ આપી છે કે, આપણે કોલર ઊંચો કરીને કહી શકીએ કે અમે ગુજરાતી લેહરિલાલા…
આપણને સ્વતંત્રતા અપાવવામાં જેનો બહોળો ફાળો છે એવા મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના 562 દેશી રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવનાર અને જેમને ભારતના બિસ્માર્કનું બીરૂદ મળ્યું છે એવા લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણે દેશ અને દુનિયાને આપેલી સર્વોત્તમ ભેટ છે.
ગુજરાતની ઐતિહાસિક,ભૌગોલીક અને રાજકીય માહિતીથી આપણે બધા પરિચિત છીએ.પણ મારે તો આજે સાંઈરામ દવેના એક ગીત પરથી તમને બધાને ગુજરાત અને ગુજરાતીઓના મિજાજનો આસ્વાદ્ય કરાવવો છે. તો માનીએ ગીત :- ગુજરાત છે અમરતધારા એક નવી નજરે……
1.
જ્યાં સાંજ સવારે ભક્તિવાદકના નિત વાગે નગારા,
ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા,
જેના સંત,ફકીરો,ભગત,શુરાને વંદન વારંવારા,
ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા..
હા સાહેબ, શસ્ત્ર અને શાસ્ત્રની ધરતી એટલે ગુજરાતની ધરતી. ગુજરાત એ સંત અને શુરાની ધરતી છે. આ ધરતી એ ધર્મ અને પરાક્રમને ઉજાગર કરતા વિરલાઓ આપ્યા છે.આપણાં ગુજરાતના સંતો અને શુરાઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે.આપણા સંતો જેવા કે નરસિંહ મહેતા,ગંગા સતી,પાનબાઇ,દેવીદાસ બાપુ,દાન ભગત,આપા ગીગા,જલારામ બાપા,બજરંગદાસ બાપા અરે જેના સદગુણોની યાદી બનાવો તો હજારો પાના પણ ઓછા પડે એવા આપણાં સંતો એ બહુ જ સરળતાથી આપણા સમાજને સત્ય,પ્રેમ અને કરૂણાના પાઠ ભણાવ્યા છે. તો સામા પક્ષે આપણને શસ્ત્રના ઉપાસકો પણ એવા જ મળ્યા છે ચાંપરાજ વાળા,રામવાળા,જોગીદાસ ખુમાણ,બાવા વાળા,દેવાયત બોદર અને ગાયોના રક્ષણ માટે દિલ્લીના તખ્ત સામે બાંયો ચડાવનાર નોડો ડાંગર હોય.આપણે ધર્મ અને સાહસિકતાથી ભરપૂર શૂરવીરો આપ્યા છે.
આમ આપણે અન્ન અને આશરો આપનારી પ્રજા છીએ.એનું કારણ એક જ છે કે આ ગુજરાતની ધરાએ અમરત ધારા છે જેનું પાન કરીને હું અને તમે મોટા થયા છીએ.
2.
આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમતવાળા,
જ્યાં એકબીજાને ચાહે,ઝંખે કોઈના વિખે માળા,
જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા,
ગુજરાત છે અમરત ધારા,ગુજરાતી સૌથી ન્યારા..
હા સાહેબ, ડણકે ડુંગર ડોલાવતા ડાલામથ્થા સાવજની ભૂમિ ગુજરાત છે.સમગ્ર ભારતમાં જો ક્યાંય એશિયાટિક સિંહ જોવા મળતા હોય તો એવું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.ગીરએ ગુજરાતને કુદરત દ્વારા મળેલી એક અપ્રતિમ ભેંટ છે.લોકસાહિત્યમાં તો ગીરને માનું પેટ કહ્યું છે.જેટલુ પોષણ એક માં દ્વારા બાળકને મળે છે એટલું જ પોષણ ગીર દ્વારા મળે છે.આવી ગાંડી ગિરના સાવજના એંઠા પાણી કે જેને સેંજળ કહે છે આવા સેંજળ પીને જે રાજયની પ્રજા મોટી થઈ હોય એના હૈયા પણ સિંહ જેવા જ હોય.ગુજરાતી પ્રજાનું હૈયું હિંમતવાળું છે હો કઠોર નથી.
સમગ્ર દેશમાં જો ક્યાંય 24 કલાક શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળતું હોય તો એ એકમાત્ર ગુજરાત છે.આપણે લોકો ક્યારેય કોઈના માળા તોડ્યા નથી,એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાઈચારાની લાગણી જોવા મળતી હોય તો એવું રાજ્ય ગુજરાત છે.
વાત માત્ર એટલેથી અટકતી નથી પણ મહેમાન માટે પોતાના સગા દીકરાનું માથું ઉતારી આપનાર વણિક દંપતી શેઠ શગાળશા અને સંગાવતીની આ ભૂમિ છે. આપણને ગર્વ થવો જોઈએ કે સમર્પણ અને સેવાની ભૂમિના આપણે વારસદારો છીએ.
3.
આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈપણ જાતિ,
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી,
અમે દિલથી જીવીએ,દિલથી મરીએ,દિલ દઈ દઈ ફરનારા,
ગુજરાત છે અમરત ધારા ગુજરતી સૌથી ન્યારા
હા,સાહેબ આ ગુજરાતીઓ બહુ દુરંદેશીવાળા હોય છે એનું એક ઉદાહરણ આપું કે આઝાદી મળ્યા પછી એક વખત વિદેશમાં અંતરિક્ષના ભાગ પાડીને એ ફાળવવા માટે હરાજી રાખવામાં આવી હતી જેમાં આપણા ગુજરાતના વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ એ વખતે લાખો રૂપિયા ખર્ચીને 5 મોટા ભાગો ખરીદ્યા હતા.એ વખતે બધાને થતું કે આ વૈજ્ઞાનિકે અંતરીક્ષના 5 મોટા ભાગ ખરીદીને થોડી ભૂલ કરી છે પણ આજે અંતરિક્ષના એ જ પાંચ ભાગ આપણને બીજા દેશો પાસેથી રોયલ્ટીમાં લાખો રૂપિયા કમાઈને આપી રહ્યા છે.
મૂળ આપણી પ્રજા વેપાર કરવાંમાં ખૂબ કુશળ છે. સાંઈરામ આપણી આ ખૂબીને universe level પર લઈ જાય છે એની કલ્પનાની ક્ષિતિજો પર એ વાત કરે છે કે આ ચંદ્રની ભલે વિશ્વની કોઇ પણ જાતિ પહોંચતી હોય પણ જ્યારે ત્યાં એક ગુજરાતી પહોંચશે ને ત્યારે ત્યાં એ દુકાન કરશે.આપણાં મોરબીના સીરામીક ઉદ્યોગ અને સુરતના હીરા ઉદ્યોગની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે.આમ આપણી આ વેપારી બુદ્ધિને સાંઈરામ કલ્પનાની ક્ષિતિજોથી પર લઈ જાય છે.
આપણે માત્ર હિસાબો કરવામાં જ હોશિયાર પ્રજા નથી.આપણે માત્ર દિમાગ ચલાવતી પ્રજા નથી આપણે દિલ ને પણ માન આપતી પ્રજા છીએ. દુનિયાને પ્રેમના પાઠ પણ ગુજરાતે શીખવ્યા છે.અરે આ ધરતીમાં એટલો પ્રેમ રહેલો છે કે ખુદ પ્રેમેશ્વર એવા ભગવાનશ્રી કૃષ્ણ પણ અહીં પોતાની રાજધાની સ્થાપે છે.આપણા ઇતિહાસના પાને કંડારાયેલા અમુક પાત્રો જેવાકે, શેણી-વિજાણંદ,માંગડાવાળો-પદ્માવતી,નાગમતી-નાગવાળો, કે રાણો-કુંવર આ દરેક પાત્રો નો પ્રેમ રોમિયો જુલિયેટ,હિર-રાંઝા કે લૈલા-મજનુ કરતા પણ વધારે પવિત્ર પ્રેમનું ઉદાહરણ આ દુનિયાને પૂરું પાડે છે.
આમ આપણે દિલથી જીવનારા અને દિલ દઈ ફરનારા માણસો છીએ.
4.
હવે ધરમ કોમના થાય ના ભડકા,બુરી નજરના લાગે,
હવે આખી દુનિયા ઉજળી કરવા,સૌ ગુજરાતી જાગે,
આ સાંઈરામ માંગે,નભમાં ચમકે ગુર્જરના સિતારા,
ગુજરાત છે અમરત ધારા ગુજરાતી સૌથી ન્યારા…
હા,સાહેબ અત્યારે આ ગુજરાત ધર્મ અને કોમની આગમાં જાણે બળી રહ્યું હોય એવું લાગે છે.અત્યારે વર્તમાન ગુજરાતની પરિસ્થિતિ એકદમ ડામાડોળ લાગે છે ત્યારે આ સાંઈરામ ઈશ્વર પાસે એક પ્રાર્થના કરે છે કે હવે આ ગુજરાતમાં હવે ગોધરા કાંડ કે એવા બીજા કોઈ ધર્મ કોમના ઝગડા ના થાય કે આ ગુજરાતને કોઈની બુરી નજરના લાગે અને સાથે સાથે ગુજરાત અને ગુજરાતીઓ આખી દુનિયાને ઉજળી કરી શકે એવા સક્ષમ છે.આપણા મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ,મોરારજી દેસાઈ,રવિશંકર મહારાજ,ધીરુભાઈ અંબાણી,કલ્પના ચાવલા,સુનિતા વિલિયમ્સ,નરેન્દ્ર મોદી, વગેરે જેવા ઘણા બધા પ્રતિભાશાળી લોકોથી પૃથ્વીના પાટલે આ ગુજરાત ઝળહળી ઉઠ્યું છે. પણ સાંઈરામ તો હજી એવા વિરલાઓ ગુજરાતમાં જન્મે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે કે જેના લીધે સમગ્ર વિશ્વના નકશામાં ગુજરાત એક આગવું સ્થાન અને મહત્વ મેળવી શકે.
આ કામ આપણે યુવાનોએ જ કરવાનું છે.આવો તો આજે ગુજરાત ગૌરવદિન નિમિત્તે આપણે યુવકો પ્રતિજ્ઞા લઇએ કે આપણા ગુજરાતને આપણે સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું…..
એ જ સાથે જય જય ગરવી ગુજરાત
-યુગ અગ્રાવત