અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિપાવલી અને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવવા સમગ્ર ગુજરાતના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂઓ અગ્રણીઓ આજે ગાંધીનગરમાં મળ્યા હતા. મુખ્યમંત્રીએ નૂતનવર્ષમાં ગુજરાત ઉપર સૈયદના સાહેબના અમી આશિષ વરસતા રહે અને ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા, ગરીબ, વંચિત છેવાડાના માનવીના કલ્યાણ કાર્યો માટે આ આશિષ તથા સમાજનું સન્માન નવી ઊર્જા આપશે તેવો ઉષ્માસભર પ્રતિસાદ વ્યકત કર્યો હતો. વિજય રૂપાણીએ દાઉદી વ્હોરા સમાજના વિવિધ અગ્રણીઓને વ્યકિતગત તેમજ પારિવારીક અને સામાજીક જીવનમાં વિક્રમ સંવતનું નૂતનવર્ષ શુભદાયી નિવડે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મુખ્યત્વે વેપાર-વણજ સાથે સંકળાયેલી દાઉદી વ્હોરા કોમ ગુજરાતના સમાજજીવનમાં દૂધમાં સાકર જેમ ભળી ગઇ છે. વેપાર ક્ષેત્રે આ કોમે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું છે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત હવે પ્રગતિશીલતા-સંવેદનશીલતા અને નિર્ણાયકતા સાથે રોલ મોડેલ બન્યુ છે. આ ‘ગુજરાત ઓન ફાસ્ટટ્રેક’ની સતત અવિરત વિકાસ ગાથાને કોઇ પણ આંચ આવ્યા વિના આગળ વધારવી સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે દાઉદી વ્હોરા સમાજ સાથેના લાગણીના સંબંધોના સ્મરણો વાગોળતાં એવી અપેક્ષા દર્શાવી કે સમાજ સમસ્તમાં એકતા સાથે વિકાસની નવી ઊંચાઇઓ પાર પાડવામાં દાઉદી વ્હોરા કોમ્યુનિટી સક્રિયતાથી કર્તવ્યરત રહેશે.
મુખ્યમંત્રીનું આ પ્રસંગે શોલ, સ્મૃતિચન્હ અર્પણ કરીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાઉદી વ્હોરા પરિવારોએ સન્માન કર્યુ હતું. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ સજ્જાદ હિરાના નેતૃત્વમાં મુખ્યમંત્રીને નૂતન વર્ષ શુભેચ્છા પાઠવવા આવેલા દાઉદી વ્હોરા અગ્રણીઓ-ધર્મગુરૂઓએ સૌના મંગલની પણ કામના આ વેળાએ કરી હતી