અમદાવાદ : કાશ્મીરના પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૧૦૦૦ કિલો બોમ્બ સાથે હુમલો કરતાં ગુજરાત સહિત દેશભરમાં ભારતીય વાયુ સેના અને જવાનોની વાહવાહી અને ભારોભાર પ્રશંસા થઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક ભારતીય સેનાના જવાનોને ગર્વભેર સલામી આપતો નજરે પડતો હતો. ગુજરાત સહિત દેશભરમાં ભારે જોશ અને ઉત્સાહનું મોજું જાણે ફરી વળ્યું હતુ. જો કે, ભારતીય નાગરિકોના ઉત્સાહ અને જાશની આ ઉજવણી વચ્ચે પાકિસ્તાન પર ભારતે બીજી સર્જિકલ સ્ટ્રાઈક સફળતાપૂર્વક પાર પાડયા બાદ હવે અગમચેતી અને સુરક્ષાના ભાગરૂપે ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરી દેવામાં આવી છે.
એટલું જ નહી, કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં રખાયો છે. ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ હાઇએલર્ટ પર તૈયાર રખાઇ છે. લશ્કરના તમામ જવાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. પાકિસ્તાનમાં ભારતના હવાઇ હુમલાને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોન્ફરન્સને રદ કરી દેવામાં આવી છે. તેના બદલે ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અને સલામતીની રણનીતિ અને વ્યૂહરચનાને લઇ મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા થઈ હતી. તમામ જિલ્લાના પોલીસ વડાને પોતાના જિલ્લામાં પરત ફરવા આદેશ કરયો છે. જિલ્લાઓની સુરક્ષા અને બોર્ડર પર આવેલા જિલ્લાઓ સતર્ક રહેવાની ડીજીપીએ સુચના જારી કરી દીધી છે. કચ્છની પાકિસ્તાનની બોર્ડર પર આર્મી ફોર્સ સ્ટેન્ડ ટુમાં છે. ગુજરાતની ભૂમિગત, દરિયાઇ અને રણ વિસ્તારની બોર્ડર પર ભારતીય સેનાના જવાનો દ્વારા એકેએક શંકાસ્પદ હિલચાલ પર એકદમ બાજ નજર રખાઇ રહી છે. ખાસ કરીને ભારતના હવાઇ હુમલા બાદ સમસમી ઉઠેલા પાકિસ્તાન દ્વારા કોઇ નાપાક હરકત ના થાય તેની પર ચાંપતી નજર રખાઇ રહી છે અને તેને લઇને જ ભારતીય સેનાના જવાનોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રખાયા છે અને હાઇએલર્ટ પર રખાયા છે.