નવી દિલ્હી : દેશમાં ચિંતાજનક રીતે જળ સંકટમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે દુષ્કાળની સ્થિતી સર્જાઇ રહી છે. સરકારે હવે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિળનાડુમાં દુકાળ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. આ રાજ્યો માટે દુકાળની ચેતવણી જારી કરીને પાણીને બચાવવા માટેની અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યોમાં દુકાળ જળાશયોમાં પાણીની સપાટી ૧૦વર્ષની તુલનામાં ૨૦ ટકા ઓછી થઇ જવાની સ્થિતીમાં જાહેર કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે જ્યાં સુધી બીજા બંધનુ નિર્માણ કામ કરવામાં ન આવે ત્યાં સુધી પીવાના પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરવામાં આવે તે જરૂરી છે. દેશના પશ્ચિમી અને દક્ષિણી હિસ્સામાં સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે. પુર્વાનુમાનમાં કહેવામાં આવ્યુ છે કે પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ આ વખતે સામાન્ય કરતા ઓછો રહેશે.
ખાનગી હવામાન સંસ્થાએ હાલમાં આગાહી કરતા કહ્યુ હતુ કે આ વખતે વરસાદ ઓછો રહેશે. તેની આગાહી બાદ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. મોનસુન વરસાદ દેશના કૃષિ ક્ષેત્ર માટે ખુબ ઉપયોગી છે. કારણ કે દેશના મોટા ભાગના ખેડુતો આજે પણ પાણી માટે વરસાદ પર આધારિત રહે છે. આવીસ્થિતીમાં ઓછા વરસાદની આગાહીના કારણે ખેડુત સમુદાય ચિંતાતુર છે. દેશના આર્થિક વિકાસ પર પણ તેની સીધી અસર થઇ શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે કહ્યુ છે કે બુધવાર સુધી દેશના દક્ષિણ રાજ્યો કર્ણાટક, કેરળ, પુડ્ડુચેરી અને તમિળનાડુમાં વરસાદ થઇ શકે છે. ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવનાર છે. પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, રાજસ્થાન અને છત્તિસગઢમાં ગરમીનો પારો વધી શકે છે.આ રાજ્યોમાં લુ ચાલવા માટેની આગાહી પણ કરવામાં આવી છે.