ગુજરાતમાં માર્ગ અકસ્માતના કારણે રોજ ૨૦ લોકોના મૃત્યુ     

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાતમાં મૂળભૂત સુરક્ષા નિયમોને લઇને બેદરકારીના પરિણા સ્વરુપે ૪૦ ટકા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થઇ રહ્યા છે. મૂળભૂત સુરક્ષા પાસાઓને લઇને સતત અવગણના કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમોને પાળવામાં આવતા નથી. અન્ય અનેક કારણો પણ જવાબદાર છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ગયા વર્ષે મૃત્યુ પામેલા પૈકી ૪૦ ટકા લોકો વ્યક્તિગતો હતા. આ લોકોએ મૂળભૂત નિયમો પાળ્યા ન હતા જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણો રહેલા છે. રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે.

લોકોમાં ડ્રાઇવિંગ સેન્સના અભાવે કોઈ બીજાની ભૂલને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. તાજેતરમાં કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે જાહેર કરેલા અકસ્માતના આંકડામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, દેશભરમાં માર્ગ અકસ્માતથી મૃત્યુ પામનારા લોકો મામલે ગુજરાત ૪થા નંબર પર છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં અકસ્માતના ૧૯૦૮૧ કેસ નોંધાયા છે, જ્યારે ૭૨૮૯ લોકોના મોત થયા છે. આમ ગુજરાત રાજ્યમાં દરરોજ લગભગ ૨૦ લોકો જીવ ગુમાવે છે.

જ્યારે જીવલેણ હિટ એન્ડ રન અકસ્માત મામલે ગુજરાતનો દેશભરમાં બીજો ક્રમ છે, જે ઘણી ગંભીર અને ચિંતાજનક બાબત છે.  માર્ગ અને પરિવહન મંત્રાલયે તૈયાર કરલા રોડ એક્સિડન્ટ ઈન ઈન્ડિયા ૨૦૧૭ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખરાબ-ખાડાવાળા રસ્તાઓથી થતા અકસ્માતમાં ૨૨૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં થતા ગમખ્વાર અકસ્માતની યાદીમાં ઉત્તર પ્રદેશ ૯૮૭ લોકોનાં મોત સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર ૭૨૬ મોત અને હરિયાણા ૫૨૨ મોત સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં રાજ્ય ધોરીમાર્ગ પર ૭૨૮૯ લોકોનાં મોત નીપજે છે અથવા દરરોજ ૨૦ લોકો જીવ ગુમાવે છે. કુલ ઈજાગ્રસ્તમાંથી ૫.૭ ટકા ભોગ બનેલા લોકો સગીર હોય છે, જ્યારે ૨૪.૪ ટકા લોકોની ઉંમર ૨૫થી નીચે હોય છે. ઈજા પામનારાઓમાં મોટા ભાગના ઈજાગ્રસ્ત એટલે કે ૮૪ ટકા લોકોમાં સૌથી વધારે પુરુષો હોય છે.

આ અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કુલ ૧૧૬૯૦ હિટ એન્ડ રનની ઘટના નોંધાયેલી છે, ત્યારબાદ બીજા ક્રમે ગુજરાત રાજ્ય આવે છે. જ્યારે જીવલેણ હિટ એન્ડ રનના ૭,૩૩૭ કેસમાંથી ૨,૭૪૨ કેસ ગુજરાતમાં થયેલા છે. આમ હિટ એન્ડ રન અને જીવલેણ અકસ્માત મામલે પણ ગુજરાતનો ક્રમ ઉત્તર પ્રદેશ (૩૨૬૯) બાદ બીજા ક્રમે રહ્યો છે. જુદા જુદા શહેરમાં આવેલા રાજ્યના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની આસપાસ આવેલી વસાહતમાં ૧૮ ટકા જીવલેણ અકસ્માત થયેલા છે.

આ વર્ષે ગુજરાતમાં અકસ્માતથી ૯૮૫ પદયાત્રીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. દેશમાં સૌથી વધુ ટુ વ્હિલર્સ ગુજરાતમાં છે. તેથી ફોર વ્હિલ કરતા ટુ-વ્હિલથી થતા અકસ્માતમાં મૃત્યુંઆક વધુ રહે તે સ્વાભાવિક છે. ઓવર સ્પીડને કારણે અકસ્માતથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૫૯૪૮ છે, જ્યારે રોંગ સાઈડમાં વાહન હંકારીને અકસ્માતે મોતની સંખ્યા ૩૭૭ છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગથી ૩૭, લાઈટિંગને કારણે ૨૧ અને નશાની હાલતમાં ડ્રાઈવ કરતા ૧૮ લોકોનાં મોત થયા છે.

Share This Article