અમદાવાદ : ગુજરાતમાં રવિવારનો દિવસ અકસ્માતની દ્રષ્ટીએ રક્તરંજિત રહ્યો હતો. જુદા જુદા અક્સમાતોમાં ૧૨થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને ૪૨થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભુજથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભુજ-નખત્રાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ભુજના દેસલપર ફાટક નજીક ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા પાંચ લોકો પૈકી ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. જેથી મોતનો આંકડો વધીને છ પર પહોંચ્યો હતો. ઘાયલ થયેલા અન્ય લોકો હાલ ભુજની જીકે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે.
ગુજરાતના પાટણ પાસે આડેસર ચેકપોસ્ટ નજીક પોલીસની વાનને એક આઈસર ગાડીએ અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનો કરૂણ મોત થયા હતા જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. આજે વહેલી પરોઢે પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માત વહેલી પરોઢે બે વાગ્યાની આસપાસ થયો હતો. ઘાયલ લોકો પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલાઓને મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પહેલા ઈજાગ્રસ્તોને સાંતલપુર-રાધનપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો ભચાઉથી ભાભર તાલુકાના સુથારનેસરી ગામે બેસણામાં હાજરી પુરાવવા જઈ રહ્યા હતા. કચ્છના ભચાઉના તમામ લોકો નિવાસી હતા. ઘાયલ થયેલાલોકોમાં પુરૂષ અને મહિલાઓને સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક અકસ્માત ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર થયો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઉનાથી પ્રાપ્ત માહિતી મુજબ ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર જીજે-૦૫ જેસી ૯૫૫૬ નંબરની કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. અન્ય પાંચને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ તરત જ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. જુદા જુદા અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાથમિક તબક્કામાં જાણવા મળ્યુ છે કે મજુરી અર્થે છકડામાં બેસીને આ લોકો જઈ રહ્યા હતા.