આગામી 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતાં ગ્રીન કવર વધારવા માટે વ્યાપક પ્રમાણમાં વાવેતર અને પુનર્વનીકરણ કર્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું આ આગવું મૉડલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે.
છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન આવરણ વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં એક નોંધનીય પ્રયાસ વન વિસ્તારમાં વાવેતર વધારવાનો છે. વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ 1,04,270 હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની મિષ્ટી યોજનાના અમલીકરણમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે.
‘મિષ્ટી’ યોજના હેઠળ ગુજરાતમાં 34,242 હેક્ટર વિસ્તારમાં થયું મેન્ગ્રુવનું વાવેતર
MISHTI (મેન્ગ્રુવ ઇનિશિયેટીવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇનકમ) યોજના અંતર્ગત દરિયાકાંઠે મેન્ગ્રુવ વનસૃષ્ટિનું વિસ્તરણ કરતા કુલ 34,242 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવ્યું છે. મિષ્ટી યોજના કેન્દ્ર સરકારે 5 જૂન 2023ના રોજ દરિયાકિનારાના રાજ્યોમાં મેન્ગ્રુવ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા માટે શરૂ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ મેન્ગ્રુવ વાવેતર, મેન્ગ્રુવ વિસ્તારોનું વૈજ્ઞાનિક મૅપિંગ, નર્સરી વિકાસ, હાઇડ્રોલોજી–ભૌગોલિક સ્થિતિનું મૂલ્યાંકન, જનજાગૃતિ, તાલીમ, સંશોધન અને ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપીને દરિયાકાંઠાના પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક આદિવાસી સમુદાયોને કુલ 158 લાખ વાંસનું વિતરણ
રાજ્ય સરકારે પરંપરાગત ઘાસચારાના પુન:સ્થાપન અને વન આધારિત જીવનને સમર્થન આપવા માટે પણ નોંધનીય પ્રયાસો કર્યા છે. છેલ્લા 3 વર્ષોમાં કચ્છના બન્ની વિસ્તારમાં કુલ 5000 હેક્ટર વિસ્તારમાં ઘાસ વાવેતરની કામગીરી કરીને ખાતાકીય ઘાસ સંગ્રહ ઉપરાંત અંદાજિત 52.52 લાખ કિગ્રા ઘાસનું સ્થાનિક લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક આદિવાસી સમુદાયોને કુલ 158 લાખ વાંસનું વિતરણ કરવામાં આવ્યું છે.
સામાજિક વનીકરણ યોજના: છેલ્લા 3 વર્ષમાં 10,213 હેક્ટર વિસ્તારમાં ખાતાકીય વાવેતર પૂર્ણ
વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં વન આવરણ વધારવા માટે છેલ્લા 3 વર્ષોમાં કુલ 1,04,270 હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી છે. જ્યારે વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણ વધારવા માટે સામાજિક વનીકરણ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષોમાં કુલ 10,213 હેક્ટર વિસ્તારમાં ખાતાકીય વાવેતરની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંતે, રાજ્યના ખેડૂતોને વન વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો દ્વારા 1,09,425.60 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
ભાવિ પેઢીઓ માટે હરિત ભવિષ્યનું નિર્માણ કરવાનો ગુજરાતનો દૃઢ સંકલ્પ
ગ્રીન કવર પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે આબોહવા સ્થિરતા, જમીનની ઉત્પાદનક્ષમતા વધારવા, જૈવવિવિધતા જાળવવા અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને મેન્ગ્રુવ્સ દરિયાઈ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાને સ્થિર રાખવા અને વાવાઝોડા જેવી કુદરતી આફતોની અસર ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાત લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને, પર્યાવરણ સુરક્ષિત રાખવા અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ, હરિત ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે 2025-26 બજેટમાં કુલ ₹3,140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
