આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા , મહેન્દ્રભાઈ પાડલીયા અને ઉદયભાઈ કાનગડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગો, ખાસ કરીને સૌરાષ્ટ્રના MSME અને સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂકી જણાવ્યું કે, “આત્મનિર્ભરતા માત્ર આર્થિક નીતિ નથી, પરંતુ રાષ્ટ્રના વિકાસ માટે એક સંકલ્પ છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો આ સંકલ્પને સાકાર કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક નવી દિશા આપશે અને આર્થિક સ્વાવલંબન તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.”
આ કાર્યક્રમમાં સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ નોંધનીય રહી.
ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’
આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ ની શૃંખલાનો એક ભાગ છે, જેનો મુખ્ય મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, GMDC ખાતે તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં MSME, સ્ટાર્ટઅપ્સ, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગો માટે ખાસ પેવેલિયનનું આયોજન થશે, જેનો હેતુ રોજગાર સર્જન અને રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને વધુ મજબૂત બનાવવાનો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
આ વિમોચન સમારોહમાં સ્વદેશી જાગરણ મંચ, સૌરાષ્ટ્ર પ્રાંતની કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યશ જસાણી (પ્રાંત સહ-સંયોજક), ભાર્ગવ ગોકાણી (પ્રાંત યુવા પ્રમુખ), અને હાર્દિક વ્યાસ (પ્રાંત વિચાર વિભાગ પ્રમુખ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા (પ્રદેશ મહામંત્રી) અને ગણેશભાઈ થુમ્મર (પ્રદેશ ઉપ-પ્રમુખ) પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વદેશોત્સવના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર વિજય પારેખિયા અને સ્વાવલંબી ભારત અભિયાનના રાજકોટ ના સમન્વયક શ્રી મલય રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.