અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલો ખાતે ફરજ ઉપરના ઇન્ટર્ન, મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી, મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટી મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમા, ડેન્ટલ-ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ૫૪૯૪ ડોક્ટરોને મળતાં સ્ટાઇપેન્ડમાં વધારો કરવા અંગે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ સ્ટાઇપેન્ડ દરોમાં માતબર રકમનો વધારો કર્યો છે, આ વધારાનો લાભ ૫૦૯૪ થી વધારે ડોક્ટરોને મળશે, જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક ૭૦ કરોડ જેટલો બોજ પડશે.
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારની મેડીકલ કોલેજોમાં એમબીબીએસ પછી અભ્યાસ કરતા અને સેવાઓ આપતાં તબીબોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જેમાં અગાઉ જે દરો મળતા હતા તેવા મેડીકલ ઇન્ટર્ન ડોક્ટરોને ૧૦૭૮૦ની જગ્યાએ ૧૩૦૦૦, ડેન્ટલમાં ૯૪૬૯ ને બદલે ૧૨૦૦૦, ફિઝીયોથેરાપીમાં ૫૮૨૪ ના બદલે ૮૦૦૦ રૂપિયા અપાશે. એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી ધારકોમાં પ્રથમ વર્ષના તબીબોને ૨૮૦૦૦ ના બદલે ૬૦૦૦૦, બીજા વર્ષ માટે ૪૨૪૮૦ના બદલે ૬૧૦૦૦, ત્રીજા વર્ષ માટે ૪૩૫૧૦ ના બદલે ૬૨૫૦૦, ચોથા વર્ષના સીનીયર રેસીડેન્ટ માટે ૪૬૦૦૦ના બદલે ૬૬૦૦૦ અને ક્લીનીકલ આસિસ્ટન્ટને ૪૩૫૧૦ના બદલે ૬૬૦૦૦ ચુકવાશે.
તેમણે ઉમેર્યુ કે, એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટીમાં પ્રથમ વર્ષના તબીબોને ૪૫૫૮૦ના બદલે ૭૨૦૦૦, બીજા વર્ષમાં ૪૭૬૬૦ના બદલે ૭૫૦૦૦, ત્રીજા વર્ષમાં ૪૯૭૩૦ના બદલે ૮૦૦૦૦ તથા મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમામાં પ્રથમ વર્ષમાં ૩૩૧૫૦ના બદલે ૪૫૦૦૦, બીજા વર્ષમાં ૩૩૯૮૦ના બદલે ૪૯૦૦૦ તથા ડેન્ટલ રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં ૩૬૪૦૦ના બદલે ૪૭૦૦૦, બીજા વર્ષમાં ૩૭૩૧૦ના બદલે ૪૮૫૦૦ અને ત્રીજા વર્ષમાં ૩૮૨૨૦ના બદલે ૪૯૭૦૦ ચુકવાશે તથા ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં ૧૬૮૦૦ના બદલે ૨૧૦૦૦, બીજા વર્ષમાં ૨૧૦૦૦ના બદલે ૨૬૦૦૦ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક ઇન્ટર્સને ૫૨૦૩ ને બદલે ૯૦૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિકમાં પ્રથમ વર્ષમાં ૨૫૨૦૦ના બદલે ૩૦૦૦૦, બીજા વર્ષમાં ૨૬૬૦૦ના બદલે ૩૩૦૦૦ અને ત્રીજા વર્ષમાં ૨૮૦૦૦ ના બદલે ૩૪૦૦૦ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને મળેલ રજુઆતોને ધ્યાને લઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્ટાઇપેન્ડના દરો સુધારવામાં આવ્યા છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.