અન્ય રાજ્યોના નાગરિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યું છે કે, ગુજરાતના વિકાસમાં  ગુજરાતમાં આવીને વસેલા અન્ય રાજ્યોના લોકોનું મહત્વનું પ્રદાન છે. ગુજરાતમાં રોજી-રોટી, વ્યવસાય  માટે આવીને વસેલા અન્ય રાજ્યોના  નાગરિકો-પરિવારોની સલામતી સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી લખનઉમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચિતમાં બોલી રહ્યા હતા. તેમણે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વર્લ્ડ ક્લાસ સ્મારકની વિશેષતાઓ મીડિયા સમક્ષ પ્રસ્તુત કરી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પત્રકાર મિલનમાં જોડાયા હતા.

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતને બદનામ કરીને આવનારા દિવસોમાં ૪ રાજ્યોની ચૂંટણીમાં તેની અસર પડે તેવા મનસૂબા સાથે કેટલાક પક્ષો અને રાજકીયહિત ધરાવતા લોકો અન્ય રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકો પર હુમલાની સાઝીશ  કરે છે, પરંતુ ગુજરાત સરકાર અને પોલીસની સતર્કતાને કારણે આવા તત્વોની કારી ફાવી નથી. ૬૩ જેટલા ગુન્હાઓ નોંધીને ૭૧૫ લોકોની અટકાયત કરી છે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ  ફેલાવનારા ૭૬ લોકોને પણ પકડી લેવામાં આવ્યા છે. જાતિવાદ કે કોમવાદનું ઝેર ફેલાવી ગુજરાતની શાંતિ સલામતી  ડહોળવા માંગતા પક્ષો અને વ્યક્તિઓ ખુલ્લા પડી ગયા છે અને ગુજરાત સૌના સાથ સૌના વિકાસથી દેશના વિકાસમાં યોગદાન આપવા કૃત નિશ્ચયી છે.

Share This Article