અમદાવાદ : રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો પાસેથી ૨૦૦ ગ્રામ વધુ મગફળી પડાવવાના એક કૌભાંડનો પર્દાફાશ થતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બારદાનનું વજન આઠસો ગ્રામ હોવાછતાં એક કિલો પ્રમાણે મગફળી ગણીને ૨૦૦ ગ્રામ મગફળી વધુ પડાવવાનું કૌભાંડ પકડાતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. બીજીબાજુ, અમરેલીના સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મગફળીના સેમ્પલ સીસ્ટમ નારાજ ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એક તબક્કે મગફળીના સેમ્પલ લેવાની કામગીરી અટવાઇ હતી. તો, કેટલાક માર્કેટ યાર્ડમાં મગફળીના માલમાં ભેજ હોવાના કારણે તે રિજેકટ કરવામાં આવતાં ખેડૂતો નારાજ થયા હતા. આમ આજે રાજયના વિવિધ માર્કેટયાર્ડમાં મગફળીના એક યા બીજા પ્રકારના કૌભાંડ અને ગતકડાંને લઇ ખેડૂતઆલમમાં ભારોભાર નારાજગી અને આક્રોશ જાવા મળ્યા હતા.
ગોંડલ માર્કેટયાર્ડના કૌભાંડના ઉહાપોહ બાદ રાજયના મંત્રી જયેશ રાદડિયા ખુદ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલાની ગંભીરતા ધ્યાને લઇ ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. જા કે, ખેડૂતોએ ભારે હોબાળો અને હલ્લો મચાવ્યો હતો, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. રાજયના વિવિધ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઇ છે ત્યારે આજે રાજકોટના ગોંડલ ખાતેના માર્કેટયાર્ડમાં થતી મગફળીની ખરીદીમાં બારદાનના તોલમાપમાં ૨૦૦ ગ્રામ વધુ મગફળી ખેડૂતો પાસેથી પડાવી લેવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
ખેડૂતોના દેખતાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ જતાં સમગ્ર માર્કેટયાર્ડમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બારદાનનું વજન ૮૦૦ ગ્રામ હોવાછતાં ખેડૂતો પાસેથી એક કિલો પ્રમાણે મગફળી ગણીને ખરીદી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કૌભાંડને પગલે કિસાન સંઘના આગેવાનોએ જારદાર હોબાળો મચાવી મગફળીની ખરીદી તાત્કાલિક અટકાવી હતી અને ભારે ઉહાપોહ મચાવ્યો હતો. કૌભાંડની જાણ થતાં જ રાજયના મંત્રી જયેશ રાદડીયા તાત્કાલિક યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ ખેડૂતોને અને કિસાન સંઘના આગેવાનોને ન્યાયની હૈયાધારણ આપી હતી.