ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે ઉપડેલી ઝુંબેશમાં રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાસાવડમાં ખતરીવાડ ખાતે દૂધનો ધંધો કરતાં નાથુભાઈ રાવલિયા કૃત્રિમ દૂધ બનાવીને વેચતા પકડાયા છે.
નાથુભાઈ રામભાઈ રાવલિયા એનિઓનિક ડિટરજન્ટ આલ્કલી બેન્ઝિન સલ્ફોનિક એસિડ, તેલ અને પાણીના મિશ્રણથી કૃત્રિમ દૂધ બનાવીને બજારમાં વેચી મારતા હોવાનું પકડાયું છે. આ દૂધ અસલામત હોવાનું પણ લેબોરેટરી ટેસ્ટમાં પ્રસ્થાપિત થયું છે. કૃત્રિમ દૂધ નિયમિત પીનારાઓના આંતરડાંમાં અલ્સર સહિત અન્ય ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહેલો છે.
આ ગુના માટે કાયદા હેઠળ ગુનેગારને છ માસથી માંડીને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ગોંડલ ઉપરાંત જામકંડોરણા તાલુકાના સોડાવદરમાં રાબારીપામાં ગોબરભાઈ નાનુભાઈ ખાંભલા પણ પાવડરમાંથી બનાવેલું દૂધ ભેંસના દૂધ તરીકે વેચતા પકડાયા છે. તેમનું દૂધ સબસ્ટાર્ડન્ડ દૂધ હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં પ્રસ્થાપિત થયું છે. અમદાવાદના બે વેપારી સબસ્ટાન્ડર્ડ દૂધ વેચતા પકડાયા છે. કેટલાક વેપારીઓના દૂધના સેમ્પલમાં જોવા મળતી ચરબી ગાય ભેંસના દૂધમાં જોવા મળતી ફેટ સિવાયની ફેટ જોવા મળી છે.