વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ગોબરધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ફંડ સ્કીમ) યોજનાની ચર્ચા કરતાં કહ્યું કે પશુઓના ગોબરથી બાયો ગેસ અને જૈવિક ખાતર બનાવવામાં આવે. તેમણે લોકોને કચરા અને ગોબરને આવકનો સ્ત્રોત બનાવવાની અપીલ કરી. આ યોજનાની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે. જે અંતર્ગત ગોબર અને ખેતરોના ઠોસ અપશિષ્ટ પદાર્થોને કમ્પોસ્ટ, બાયો ગેસ અને બાયો સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવે. અસલમાં ગોબર ન માત્ર ગ્રામીણ જીવનની તકદીર બદલી શકે છે, બલ્કે ખેતીને લાભનો વ્યવસાય બનાવવા અને ગ્રામીણ જીવનને પ્રદૂષણ મુક્ત બનાવવામાં પણ મોટી ભૂમિકા નિભાવી શકે છે. ખેતરોમાં ગોબર નાખવામાં આવે અને માટીની ફળદ્રુપતા વધારવા માટે અળસિયાંનો ઉપયોગ કરવામાં આવે તો ધરતીને નવજીવન મળી શકે છે. આધુનિક ખેતી અંતર્ગત રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી ઉજ્જડ થઈ રહેલી જમીનને રાહત આપવા માટે ફરીથી નવા ઉપાયની જરૂર છે.
કેટલાક વિદેશી ખેડૂતોએ ભારતની સદીઓ જૂની પારંપરિક કૃષિ પ્રણાલીને અપનાવીને ચમત્કારી પરિણામો પ્રાપ્ત કર્યાં છે. ભારતમાં હાલ અન્નપૂર્ણા જનની ધરા કથિત નવી ખેતીના પ્રયોગોથી કણસી રહી છે. રાસાયણિક ખાતરથી ઉપજેલા વિકાર હવે ઝડપથી સામે આવવા લાગ્યા છે. દિક્ષણી રાજ્યોમાં સેંકડો ખેડૂતોની આત્મહત્યા કરવા પાછળ રાસાયણિક દવાઓની ખલનાયકી ઉજાગર થઈ ચૂકી છે. આ ખેતીથી ઉપજેલ અનાજ ઝેર બની રહ્યું છે. રાસાયણિક ખાતર નાખવાથી એક બે વર્ષ તો ખૂબ સારો પાક મળે છે, પછી જમીન ઉજ્જડ થવા લાગે છે. કીમતી માટીનું ઉપલા સ્તરનો એક ઇંચ તૈયાર થવામાં દાયકાઓ લાગે છે જયારે ખેતીની આધુનિક પ્રક્રિયાને કારણે આ સ્તર ૧૫-૧૬ વર્ષમાં નષ્ટ થતું જાય છે. રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે માટી સૂકી અને નિર્જીવ બની જાય છે. આ જ જમીનના ક્ષરણનું મુખ્ય કારણ છે. ત્યાં જ ગોબરથી બનેલ કમ્પોસ્ટ કે પ્રાકૃતિક ખાતરથી ઉપચારિત જમીનની ભેજ અવશોષણ ક્ષમતા પચાસ ટકા વધી જાય છે. ફળસ્વરૂપે માટી ભીની રહે છે અને તેનું ક્ષરણ પણ અટકે છે. કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતરો માટીમાં રહેલા પ્રાકૃતિ ખનિજ લવણોને નષ્ટ કરે છે. તેને કારણે કેટલાક સમય બાદ જમીનમાં જરૂરી ખનિજ લવણો ખૂટી જાય છે. જેમ કે નાઇટ્રોજનના ઉપયોગથી જમીનમાં પ્રાકૃતિક રૂપે ઉપલબ્ધ પોટેશિયમનું ઝડપથી ક્ષરણ થાય છે. તેની કમી પૂરી કરવા માટે જ્યારે પોટાશ પ્રયોગમાં લેવાય છે તો પાકમાં એસ્કોરલિક એસિડ (વિટામિન સી) અને કેરોટીનની ઉણપ આવી જાય છે. આ પ્રકારે સુપર ફોસ્ફેટને કારણે માટીમાં તાંબું અને જસત ઘટી જાય છે. જસતની કમીને કારણે શરીરની વૃદ્ઘિ અને લૈંગિક વિકાસમાં કમી, ઘા ભરવામાં અડચણ વગેરે રોગ ફેલાય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ફળદ્રુપોથી સંચિત જમીનમાં ઉગાડેલ ઘઉં અને મકાઈમાં પ્રોટીનની માત્રા ૨૦ થી ૨૫ ટકા ઓછી હોય છે. રાસાયણિક દવાઓ અને ખાતરને કારણે ભૂમિગત જળ દૂષિત થવાની ગંભીર સમસ્યા પણ ઊભી થઈ રહી છે.
અત્યાર સુધી એવી કોઈ ટેકનિક વિકસિત નથી થઈ કે જેનાથી ભૂજળને રાસાયણિક ઝેરથી મુક્ત કરાવી શકાય. ધ્યાન રહે કે હવે ધરતી પર જળસંકટનું એકમાત્ર નિદાન ભૂમિગત જળ જ બચ્યું છે. ન્યૂઝિલેન્ડ એક વિકસિત દેશ છે. ત્યાં આબાદીના મોટા હિસ્સાનું જીવન પશુપાલનના સહારે છે. આ દેશમાં કૃષિ વૈજ્ઞાનિક પીટર પ્રોક્ટર છેલ્લા ૩૦ વર્ષોથી જૈવિક ખેતીના વિકાસમાં લાગ્યા છે. પીટરનું કહેવું છે કે રાસાયણિક ખાતરોનો પ્રયોગ પર્યાવરણીય સંકટ પેદા કરી રહ્યો છે. જેમ કે એક ટન યુરિયા બનાવવા માટે પાંચ ટન કોલસો બાળવો પડે છે.
કેટલાંક વર્ષ પહેલાં હોલેન્ડની એક કંપનીએ ભારતને ગોબર નિકાસ કરવાની યોજના બનાવી હતી તો ઘણો હોબાળો મચ્યો હતો, પરંતુ એ દુર્ભાગ્ય છે કે આ કીમતી કાર્બનિક પદાર્થની આપણા દેશમાં કુલ ઉપલબ્ધતા આંકવાના આજ સુધી કોઈ પ્રયાસ નથી થયા. અનુમાન છે કે દેશમાં અંદાજે ૧૩ કરોડ પશુઓ છે જેનાથી દર વર્ષે ૧૨૦ કરોડ ટન ગોબર મળે છે. તેમાંથી અડધું છાણાં તરીકે ચૂલામાં બાળી દેવામાં આવે છે. આ ગ્રામીણ ઊર્જાની કુલ જરૂરિયાતના ૧૦ ટકા પણ નથી. બહુ પહેલાં રાષ્ટ્રીય કૃષિ પંચના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ગોબરને ચૂલામાં બાળવું એક અપરાધ છે. એવા કેટલાય રિપોર્ટ સરકારી ફાઇલોમાં બંધ હશે, પરંતુ તેના વ્યાવહારિક ઉપયોગની રીત ગોબર ગેસ પ્લાન્ટની દુર્ગતિ યથાવત છે. રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત નિર્ધારિત લ-યના ૧૦ ટકા પ્લાન્ટ પણ લગાવી શકાયા નથી. એવા કેટલાય પ્લાન્ટ તો સરકારી સબસિડી ખાવાનું માધ્યમ બની ગયા છે. ઊર્જા વિશેષજ્ઞો માને છે કે આપણા દેશમાં ગોબર દ્વારા ૨૦૦૦ મેગાવોટ ઊર્જા પેદા કરી શકાય છે. ધ્યાન રહે કે ગોબરનાં છાણાં બાળવાથી બહુ ઓછી ગરમી મળે છે. એના પર ખોરાક રાંધવામાં બહુ સમય લાગે છે, તેથી છાણાં બાળવાં ન જોઇએ.
જો તેનો ઉપયોગ ખેતરોમાં કરવામાં આવે તો સારો ફાયદો થશે. એક તો તેનાથી મોંઘાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ ઓછો થશે, સાથે જ જમીનની તાકાત પણ વધશે. સૌથી મોટો લાભ એ હશે કે પાક રસાયણ વગરનો હશે. જો ગામડાંમાં કેટલાય લોકો મળીને ગોબર ગેસ પ્લાન્ટ લગાવી દે તો તેનો ઉપયોગ રસોઈ માટે સારી રીતે કરી શકાય. દેશના કેટલાય હિસ્સામાં એવા પ્લાન્ટ સફળતાથી ચાલી રહ્યા છે. આ પ્લાન્ટ રાંધણ ગેસ સિલીન્ડરના મુકાબલે ઘણી ઓછી કિંમતે ગેસ ઉપલબ્ધ કરાવે છે. ગોબર ગેસ પ્લાન્ટથી નીકળેલ કચરો બહેતરીન ખાતરનું કામ કરે છે. જરૂરિયાત તો બસ એ વાતની છે કે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે. સારું રહેશે કે સરકાર ગોબરધન યોજનાને સાકાર કરવા માટે ઠોસ પગલાં ભરે.