જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમા શરુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પહેલા જ દિવસે ૫૦ હજારથી વધુ ભક્તોએ પરિક્રમાના રૂટ પર એન્ટ્રી કરી
જૂનાગઢ
: આમ તો દેવઉઠી અગિયારસથી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભક્તોને આ વખતે એક દિવસનો વધુ લ્હાવો મળ્યો છે. ગિરનારની તળેટીમાં પરિક્રમા માટે શ્રદ્ધાળુંઓની ભીડ વધી જતાં એક દિવસ પહેલા જ પરિક્રમા માટે ગેટ ખોલી દેવાયો છે. પહેલા જ દિવસે ૫૦ હજારથી વધુ ભક્તોએ પરિક્રમાના રૂટ પર એન્ટ્રી કરી છે. ભક્તોએ ઈટવા ગેટ વહેલો ખોલવા માટે તંત્રનો આભાર પણ માન્યો છે. ગિરનાર પરિક્રમાનો રૂટ ૩૬ કિલોમીટરનો છે. પરિક્રમા ચાર પડાવમાં પુરી થઈ જાય છે. ૩૬ કિલોમીટરની પરિક્રમમાં પ્રથમ પડાવ ૧૨ કિલોમીટરે આવે છે. તેમજ બીજાે પડાવ આઠ કિલોમીટરે, ત્રીજાે પડાવ આઠ કિલોમીટરે અને ચોથો પડાવ આઠ કિમીએ ભવનાથમાં આવે છે. પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.૧૮મી સદીમાં શરૂ થયેલી પરંપરાગત પરિક્રમામાં આજ દિન સુધીમાં યથાવત્‌ છે. ભલે તેમાં જરૂરી ફેરફાર કરાયા છે, છતાં આજે પણ ભક્તો ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે. ૧૮૬૪માં જૂનાગઢના દીવાન અનંતજી વસાવડાએ સંઘ દ્વારા ગિરનાર ફરતે પરિક્રમા કરી હતી, ત્યારે બાદથી આ પરંપરા શરૂ થઈ અને કારતક મહિનામાં પરિક્રમાનું મહાત્મ્ય વધ્યું છે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો, ત્યારે ભારે રાજકીય હલચલ હતી. છતાં પારંપરિક રીતે પરિક્રમા યોજાઈ હતી. એક દિવસમાં ૯ કિલોમીટર લેખે ૩ દિવસમાં ભક્તો ૩૬ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે.

Share This Article