અમદાવાદઃ એશિયાટીક સિંહના ઘર તરીકે ગણાતા લોકપ્રિય ગીરમાં સિંહની હાલત કફોડી બનેલી છે. તેમના ઉપર અનેક પ્રકારના સંકટ તોળાઈ રહ્યા છે. આજે વધુ બે સાવજોના મોત થતાં મોતનો આંકડો વધીને ૧૩ ઉપર પહોંચી ગયો હતો જેથી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. સિંહોના ત્રાસથી કંટાળેલા ગીર વિસ્તારના લોકોએ ઝેર આપી દીધું હોવાની શંકા પણ પ્રબળ બની રહી છે. બીજી બાજુ વન્ય વિભાગની ટીમ દ્વારા જુદી જુદી ૬૦ ટીમો બનાવવામાં આવી છે જેના ભાગરુપે હવે તમામ સિંહના હેલ્થ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
સિંહોના મોતના કારણને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગુજરાતની શાન અને ગૌરવ સમા ગીરના એશિયાટીક સિંહ પર હવે ગંભીર ખતરો તોળાઇ રહ્યો હોય એવું લાગે છે. ખુદ ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને સરકારના સુરક્ષાના દાવાઓ વચ્ચે પણ છાશવારે એક પછી એક સિંહ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. એકબાજુ કેન્દ્રની ટીમ પણ સિંહોના મૃત્યુ કુદરતી રીતે થયા હોવાનું જણાવી રાજયના વનવિભાગની સૂરમાં સૂર પુરાવી રહી છે પરંતુ બીજબાજુ, સ્થાનિકો અને પર્યાવરણવિદ નિષ્ણાતોના મતે, હજુ આ સમગ્ર મામલો તપાસ માંગી લે તેવો છે કારણ કે, તેમાં અનેક સવાલો હજુ પણ રહસ્ય બની રહ્યા છે.
સરકાર અને તંત્રએ ન્યાયિક તપાસ કરાવડાવી જે કંઇ સાચી હકીકત હોય તે લોકો સમક્ષ ઉજાગર કરવી જોઇએ તેવી માંગ પણ તેઓએ કરી છે. આ બધા વિવાદ વચ્ચે હવે સિંહોના ભેંસો-ઘેટાના મારણથી ત્રાસેલા સ્થાનિક ગ્રામજનોએ જ સિંહોને મારણાં ઝેર આપી ભોગ લઇ લીધો હોવાની આશંકા સેવાઇ રહી છે, તેથી તે દિશામાં પણ સ્થાનિક પોલીસ અને વનવિભાગના અધિકારીઓ તપાસ આરંભી કોઇ કડી શોધી રહ્યા છે. ગીર પંથકના ખાસ કરીને જંગલના સ્થાનિકોના અભિપ્રાય અને જાણકારી મુજબ, સિંહોના મોત મામલામાં તંત્રના દાવા કરતાં કંઇક અલગ હકીકત સામે આવી રહી છે. જેમાં સરકાર ખુદ પણ વનવિભાગને બચાવવા નીકળ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.
દલખાણીયા ગામે રહેતા સિંહપ્રેમી યોગેશ સોલંકીના મતે, મેટિંગ પિરિયડમાં સિંહ, સિંહણ વચ્ચે કે અન્ય સિંહો વચ્ચે ઇન્ફાઇટ થતી હોય છે અને ઇન્ફાઇટ થઇ હોય તો સામેવાળા સિંહ કે સિંહણને ઇજા થઇ હોય તો તેવા સિંહો ક્યાં છે? જંગલ ખાતા પાસે કોઇ જવાબ નથી. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દલખાણીયા રેન્જ અને ગામમાં રહેતા લોકોએ જણાવ્યું કે, વનખાતુ સાચી વાત છૂપાવી રહ્યું છે જો ઇન્ફેકશનમાં થયા હોય તો ઇન્ફેકશન કેમ સિંહને જ લાગ્યા. કેમ અન્ય વન્યપ્રાણીને આ ઇન્ફેક્શન લાગ્યું નહીં અને અન્ય સિંહ, સિંહણમાં કેમ ન લાગ્યું, ફેફ્સામાં ઇન્ફેકશન લાગી જાય, મરી જાય અને મૃતદેહ પણ કોહવાઇ જાય ત્યાં સુધી ટ્રેકરને કે વનખાતાને ખબર ન પડે તેનાથી મોટી બેદરકારી કઇ હોઇ શકે?
વનખાતુ અને સરકાર માહિતી છૂપાવી રહ્યું છે અને વાસ્તવમાં ગીરના સિંહ રામભરોસે છે તેવું સ્થાનિકોનું કહેવું છે. જંગલનો રાજા ગણાતો સાવજ બાલ્ય અવસ્થામા હોય ત્યારે તેના જીવ પર સૌથી વધુ જોખમ હોય છે. સિંહબાળ માતાથી વિખુટુ પડે કે સિંહણનું મોત થાય તો સિંહબાળ મોતને ભેટે છે. તે બિમારીનો પણ ઝડપથી ભોગ બને છે અને બીજા સિંહ દ્વારા તેને મારી નાખવાની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. જેના કારણે સિંહબાળ પર સૌથી વધુ જોખમ રહે છે. એક વખત પુખ્ત થઇ ગયા બાદ તેના પરનુ જોખમ ઘટી જાય છે. અમરેલી જિલ્લામા તો રેવન્યુ વિસ્તારમા પણ આવા સિંહબાળની વસતિ વધારે છે.
વનતંત્ર સિંહબાળની સુરક્ષા કરવામા સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે. બિમાર કે ઘાયલ સિંહબાળ વિશે વહેલી જાણ થાય તો તેના બચવાની સંભાવના વધી જાય છે. પરંતુ વનવિભાગના કામચોર કર્મચારીઓ નિયમીત ફેરણુ કરતા નથી. જેને પગલે કા તો સિંહબાળનુ મોત થયા બાદ તેની જાણ થાય છે અથવા બિમારી કે ઇજા એટલી વકરી ગઇ હોય છે કે તેને બચાવી શકાતુ નથી એવી આક્રોશભરી લાગણી પણ સ્થાનિકોએ વ્યકત કરી હતી.