ગીતાદર્શન
“ અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જાન્યા દન્નસમ્ભવ: ˡˡ
યજ્ઞાનદ્ભવતિ પર્જન્યો યજ્ઞ: કર્મસમુદ્ભવ: ˡˡ ૩/૧૪ ˡˡ “
અર્થ –
“ બધા જીવ અન્નમાંથી પ્રગટે છે, અન્ન વરસાદ થવાથી ઊગે છે, વરસાદ વિવિધ યજ્ઞો કર્મ કરવાથી થાય છે. “
સમગ્ર જીવ સૃષ્ટિ અન્નમાંથી જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય કે અન્ય તમામ પ્રાણીઓના દેહ પંચતત્વોના બનેલા છે. આ દરેક દેહમાં ખોરાક જાય છે તો જ દેહ ટકી શકે છે. અને દેહ ટકવાને કારણે એક દેહમાંથી નવો દેહ ઉદભવે છે. જેથી એ સિધ્ધ થઇ જાય છે કે જીવ માત્ર નું (દેહ રૂપે) પ્રાગટ્ય અન્ન ને આધારિત છે. આ અનાજ (જેમાં ફળ, ફૂલ તેમ જ દરેક પ્રકારની વનસ્પતિ તેમ જ ધાન્યનો સમાવેશ ગણવો) ધરતીમાંથી ઊગે છે. વરસાદ થવાથી અન્ન પાકે છે . આ વરસાદ યજ્ઞ રૂપી કર્મ કરવાથી જ પડે છે. આ રીતે અહીં જોઇએ તો છેલ્લે તો જીવનું દેહમાં થતું પ્રાગટ્ય યજ્ઞ્રરૂપી કર્મને આધીન છે, કેમ કે દેહ વિના તેમાં જીવ આવી નથી શકતો. ઉત્તમ યજ્ઞ કરીએ, દરેક કર્મ ઉત્તમ આશય રાખી ઉત્તમ રીતે કરીએ તો તે ઉત્તમ વરસાદનું કારણ બનશે. અને એ વરસાદથી સાત્વિક અન્ન પાકશે જે સાત્વિક જીવ સૃષ્ટિ પ્રગટાવશે. અત્યારના વરસાદ તો સૌએ જોયા જ છે ને ? ક્યારેક એવો ધોધમાર પડે કે સમગ્ર જગત ત્રાહિમામ થઇ જાય !! વળી કદીક સાવ ઓછો પડે કે કાં તો પડે જ નહિ તો પાણ બધા જીવો ત્રાસી જાય…. અન્ન જળ વિના સૌ તરફડવા લાગે… આવું કેમ બને ?આવું એટલા માટે બને છે કે સારા વરસાદને લાવે તેવા યજ્ઞો અને કર્મમાં હવે દિવસે દિવસે ઘટાડો થતો જાય છે. જો તેમાં ય હજુ વધારે ઘટાડો થશે તો જગતનું સંતુલન ખોરવાઇ જશે, પર્યાવરણ નષ્ટ થઇ જશે જે સમગ્ર માનવ જાતને માટે ભયાનક પરિસ્થિતિ પ્રગટાવશે. તો હવે રાહ કોઇની જોવાની નથી. ચાલો આપણે ઉત્તમ યજ્ઞ અને ઉત્તમ કર્મની આજથી જ શરૂઆત કરીએ .
અસ્તુ.
- અનંત પટેલ