ગીતા દર્શન
‘‘વ્યવસાયાત્મિકા બુધ્ધિરેકેહ કુરુનંદન ??
બહુશાખા હનન્તાશ્ચ બુધ્ધયોડવ્યવસાયિનામ ?? ૨/૪૧?? “
અર્થ-
‘‘ હે કુરુનંદન આ ભક્તિ માર્ગમાં રહેલા ની બુધ્ધિ નિશ્ચયાત્મક અને એકાગ્ર હોય છે. જ્યારે કૃષ્ણ ભાવનામાં દૃઢ નિશ્ચયી નથી તેવાઓની બુધ્ધિ અનેક માર્ગે ફંટાતી, અસંખ્ય હોય છે. ’’
ભક્તિમાર્ગ એટલે કૃષ્ણ મય થવાનો માર્ગ. તમારી ભક્તિ ક્યારે લેખે લાગે ? જો તમે જે ઇષ્ટ દેવનું ધ્યાન ધરો છો તે દેવની મય થઇ જાઓ ત્યારે જ તમારી ભક્તિ લેખે લાગે. ભગવાનમાં સમર્પિત થવાનો ભાવ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી તે ભક્તિ નિરર્થક છે, સમયનો વ્યય છે. ક્રૃષ્ણમય થયા પછી બુધ્ધિ સ્થિર થાય છે, મનની ચંચળતા દૂર થાય છે. એકાગ્રતા પ્રગટે છે. ક્રૃષ્ણમય થયા પછી થયેલી ભક્તિ કે કર્મ તમને ક્યારે ય નડતર રૂપ બનશે જ નહિ. કેમ કે એ બધાં કર્મ તમે તમારા પોતાના કલ્યાણ ને ધ્યાનમાં રાખીને કરેલ નથી હોતાં. જ્યારે પણ તમે કોઇ કર્મ તમારા પોતાના માટે કે તમારા પ્રિયજન ને ધ્યાનમાં રાખીને કરશો તો તમને તેના પરિણામની સતત ચિંતા રહેશે. તમે તેનું જે ફળ કે પરિણામ ધારેલ છે તે નહિ મળે તો ? પેલી વ્યક્તિને કેવું લાગશે ? એ મારાથી નારાજ થઇ જશે તો ? આમ ક્રૃષ્ણમય થયા સિવાયના જે કર્મ છે તે વ્યક્તિની બુધ્ધિ અથવા તો મનને સદા ભટકતું કરી મૂકે છે એને સુખ કે શાંતિનો અનુભવ થતો જ નથી. ટૂંકમાં સાર એ ગ્રહણ કરો કે તમામ કર્મ ક્રૃષ્ણમય થઇને જ કરો, જે કરો છો તે ભગવાન ને માટે જ કરો છો તેથી તેના પરિણામની પણ ચિંતા થશે નહિ ને મન ભટકવામાંથી બચી જશે
.અસ્તુ.
અનંત પટેલ