ગીતા દર્શન
” અચ્છેદ્યોડયામદાહ્યોડયમક્લેદ્યોડશોષ્ય એવ ચ I
નિત્ય: સર્વગત: સ્થાણુરચલોડયં સનાતન : II ૨/૨૪ II “
અર્થ:-
” આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહિ તેવો છે. આત્મા તો નિત્ય છે, સર્વ વ્યાપક છે અંત હીન છે, શાશ્વત છે.”
આત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, શોષી શકાતો નથી કે ભીંજવી શકાતો નથી વળી તે કાયમી અને સર્વવ્યાપક છે તેમ જ તેનો અંત છે જ નહિ. આપણે દરેક ભૌતિક પદાર્થ ફળ-ફૂલ વગેરેને કાપી શકીએ છીએ, ચીરી શકીએ છીએ ટૂકડા કરી શકીએ છીએ પણ આપણો આત્મા એવું તત્વ છે કે જેને આપણે કાપી કે ચીરી શકતા નથી, વળી કોઇપણ ચીજને કાપવા કે ચીરવા માટે પહેલાં તો તેને જોવી પડે, હાથ વડે પકડવી પડે. અહીં તો આત્માની વાત છે જેને આપણે જોઇ જ શકતા નથી અને તેનો કોઇ આકાર ન હોવાથી તેને પકડવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. આત્માને કોઇ શોષી શક્તું નથી. આત્મા એવા કોઇ પ્રવાહી સ્વરૂપનો નથી કે જેને તમે શોષી શકો. તેવી જ રીતે જે વસ્તુ આપણે જોઇ શકીએ નહિ અથવા તો જેને અડકી શકીએ નહિ તેને ભીંજવવો કેવી રીતે ?
આત્મા નિત્ય છે તેમ કહ્યું છે એટલે કે તે કાયમી છે તેનો સમયગાળો કોઇ નિશ્ચિત મુદત માટેનો નથી. આત્મા એક એવું તત્વ છે કે તે જ્યાં સુધી દેહમાં રહે છે ત્યાં સુધી તે દેહ પોતાની દૈહિક ક્રિયાઓ કરી શકે છે, ઇચ્છાઓ વ્યક્ત કરે છે, અપેક્ષા રાખે છે, વેર-ભાવ-પ્રેમ વગેરે પણ દર્શાવી શકે છે અને દરેક પ્રકારની લાગણી પણ વ્યક્ત કરે છે. પરંતુ આ બધુ દેહમાં જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી જ થઇ શકે છે. દેહમાંથી આત્મા નીકળી જાય છે પછી દેહ નિશ્ચેતન પડી રહે છે. દાટીને કે બાળીને તેનો નિકાલ કરવામાં આવે છે. આમ દેહ અનિત્ય છે પણ આત્મા તો નિત્ય છે, સનાતન છે. આત્મા મરતો ન હોવાથી તેનો અંત પણ થતો નથી. આમ જે જન્મે નહિ તે મરે કેવી રીતે ?આપણે સૌએ આત્માની સર્વવ્યાપકતાને સ્વીકારીને દેહના મરણ સંબંધી શોક કરવો જોઇએ નહિ.
અસ્તું.
અનંત પટેલ