“નાસતો વિધતે ભાવો નાભાવો વિધતે સત:I
ઉભયોરપિ દૃષ્ટોડન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિ: II ૨/૧૬ II
અર્થ :- અસત કદી અમર નથી રહેતું, જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો. તત્વદર્શીઓએ આવો આનો નિર્ણય લીધેલો છે. અસત એટલે જે સત નથી તે. સાદી ભાષામાં કહીએ તો જે જૂઠ છે, જૂઠ્ઠાણું છે તે અમર નથી એટલે કે તમે જૂઠ્ઠી વાત ફેલાવશો અથવા તો જૂઠનું આચરણ કરશો તો તે લાંબો સમય ચાલશે નહિ. થોડી વાર તો એ ચાલી જશે પણ તે અમરત્વ ધરાવતું ન હોવાથી ટૂંક સમયમાં નષ્ટ થઇ જાય છે. અસત લાંબો સમય નથી ટકતું એટલે શું એનો પ્રગટ થયા વગર નાશ થઇ જાય છે ખરો ? જૂઠ્ઠાણું કે જૂઠી વાતનો એમ જ નાશ થતો નથી પણ તે થોડા સમયે બહાર પ્રગટ થઇ જાય છે અને જૂઠનું પ્રગટ થવું એટલે જ તેનો નાશ થવો એમ કહેવાય. કેમ કે કોઇનું જૂઠ બહાર પડી જાય પછી તે જૂઠ રહેતું નથી અને તે જૂઠ તે વ્યક્તિ કે વ્યક્તિઓને છેવટે બદનામી જ આપે છે. કદાચ અહીં એવું કહેવાનો પણ પ્રયાસ છે કે જૂઠ લાંબો સમય ટકતું અથવા તો ચાલી શક્તું નથી. કદાચ જૂઠને તમે લાંબો સમય છૂપાવી શક્તા નથી બીજી તરફ જે સત છે સાચું છે તેનો ક્યારેય નાશ થતો નથી. સત્ય હંમેશાં અમર રહે છે. સત્યને તો જન્મજાત જ અમરત્વ મળેલું છે એમ કહીએ તો પણ ખોટું નથી.
અહીં સતમાં સદભાવ, સદાચરણ, સત્ય બોલવું, સત્ય હકીકત વગેરેનો સમાવેશ થાય છે. તમે સૌની સાથે સદભાવ રાખો, આચરણ સદાય સારું અને અન્યના સુખ માટેનું કરો તો તેને લોકો ખૂબ લાંબા સમય સુધી યાદ રાખે છે. આત્મા આ દેહ છોડી દે તે પછી પણ દુનિયા આવાં સદાચરણોને યુગો યુગો સુધી યાદ રાખે જ છે. મહાભારત રામાયણ તેમ જ અન્ય ધર્મગ્રંથોમાં સમાવિષ્ઠ પાત્રો આજે ય આપણા માટે તેમના સદાચરણને કારણે અમર છે. તેવી જ રીતે આપણા દેશના અને વિશ્વના ઇતિહાસ ઉપર નજર કરીએ તો જણાશે કે હંમેશાં સત્યનો જ વિજય થયો છે અને તેથી જ સત્ય આજે ય અમર છે. અસ્તુ..
અનંત પટેલ