ગોરમાંનો રંગ કેસરિયો ને, નદીએ ન્હાવા જાય રે ગોરમા…
આવતી કાલથી ગૌરી વ્રતની શરૂઆત થઇ રહી છે તો ચાલો જાણીએ થોડું ગૌરી વ્રત વિશે. ગૌરી વ્રતએ નાની બાળાઓનું વ્રત છે, આ વ્રતમાં જવારાની પૂજા કરીને ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે તથા આ વ્રતમાં મોળો ખોરાક લેવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. વ્રતના અંતિમ દિવસે બાળાઓ રાત્રીનું જાગરણ કરતી હોય છે. ત્યારબાદ જાગરણના બીજા દિવસે સવારે બ્રાહ્મણને ભોજનની વસ્તુ સાથેનું ‘સીધુ’ આપીને વ્રત પૂર્ણ કરે છે. ૫ વર્ષ થાય ત્યારબાદ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગોરણીઓને જમાડવામાં આવે છે. અને ઇચ્છાશક્તિ મુજબ લાણી-ભેટ આપવામાં આવે છે.
ગૌરી વ્રત સંસ્કારી પતિ મેળવવા કુંવારીકાઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું એટલે કે પાંચ દિવસનું હોય છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે. જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ‘ગોરિયો’ કહેવાય છે.
આ વ્રતમાં જવારાનું વિશેષ મહત્વ હોય છે અને બાળાઓ આ જવારાની પુજા કરતી જોવા મળે છે, જે માટીના કે અન્ય કોઇ વાસણમાં સાત પ્રકારના અનાજ વાવીને ઉગાડવામાં આવે છે, જેમાં ઘંઉ, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત સાત ધાનનું વિશેષ મહત્વ હોય છે અને અત્યારે તો આ જવારા બજારમાં સરળતાથી મળે છે. અને આ જવારાનું પૂજન કરીને મોળાકત વ્રત રાખવામાં આવે છે.