“ગમતાનો કરીએ ગુલાલ” ભાગ – 4

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

“ગમતાનો કરીએ ગુલાલ”

” મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.”
 

— ઓજસ પાલનપુરી 

        શાયર પાલનપુરીજીએ સરળ ભાષામાં ખૂબ જ માર્મિક ટકોર કરી છે. દુનિયામાં  ઘણી બધી વ્યક્તિઓ કે ઘટનાઓ અમુક સમયે ખૂબ જ ચર્ચામાં હોય છે અને આજના ફેસબુક, વોટ્સઅપ કે વેબસાઇટ જેવા સોશિયલ મીડીયાના જમાનામાં તો એની પ્રસિધ્ધિ પણ ગણતરીની સેકંડોમાં જ સમગ્ર વિશ્વમાં ફેલાઇ જાય છે.

માણસો કે ઘટનાઓને બહોળી પ્રસિધ્ધિ ઝડપથી મળે છે પણ સમયના વ્હેણ સાથે એને ભૂલાઇ જતાં પણ વાર નથી લાગતી એ બાબતને સમજાવવા  કવિએ આ શેરમાં સરસ ઉદાહરણ આપ્યું છે. પાણી ભરેલા પાત્રમાં આપણે આંગળી નાખીએ તો તે પાણીમાં તેને  જગા મળી શકે છે પણ જેવી તમે આંગળી બહાર ખેંચો છો કે તરત જ  તમારી આંગળીની જગામાં પાણી આવી જાય છે અને પેલી જગા પૂરાઇ જાય છે.

આ જ રીતે કવિ કહે છે કે આપણે જીવતા હોઇએ છીએ  ત્યાં સુધી જ લોકો આપણને યાદ કરે છે પણ આપણા મૃત્યુ બાદ આપણા અસ્તિત્વને લોકો સરળતાથી ભૂલી જ જતા હોય છે. કદાચ  આવી કોઇ વ્યક્તિ હતી જ નહિ એવું થઇ જાય છે . જો કે આ બાબતમાં બે રીતે વિચારણા  થઇ શકે તેવું છે, જગતમાં કેટલી ય એવી મોટી મોટી હસ્તીઓ થઇ ગઇ છે જેને કદાચ ઘણા લાંબા સમય બાદ પણ આપણે આજે  યાદ રાખી રહ્યા છીએ તેમ છતાં મહદ અંશે ટૂકા ગાળા માટે ઝબકેલાં પાત્રો/વ્યક્તિઓ કે ઘટનાઓ ને લોકો ઝડપથી ભૂલી જાય છે એ પણ એટલું જ સાચું છે. જ્યાં સુધી તમે હયાત હોવ અને કોઇકને કામ આવી  શકો તેમ હોવ ત્યાં સુધી તો લોકો/ તમારા સ્નેહીજનો અને કુટુંબના સભ્યો તમને યાદ રાખે જ છે પણ તમારા અહીંથી ચાલ્યા ગયા પછી આ બધા લોકો તમને યાદ કરતા નથી કે યાદ કરવામાં આળસ કરે છે તે બાબતનું કવિને ભારે દુ:ખ થતુ લાગે છે. કશો  પણ સ્વાર્થ ન હોય તો પણ  આપણે આપણા આત્મીય જનોને હરહંમેશ યાદ રાખવા જોઇએ તેવો સંદેશ કવિ આપવા માગે છે. કવિના આ સૂચનની સૌએ નોંધ અવશ્ય લેવી ઘટે.

00000

anat e1526133269569

 

Share This Article