હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહી બસ અભરખા ઉતારો.
– ગૌરાંગ ઠાકર
આ શેરમાં કવિએ બહુ સુન્દર બોધ આપ્યો છે. આપણે મંદિરમાં જઇએ છીએ ત્યારે સામાન્યત: એવી સૂચના વાંચતા હોઇએ છીએ કે પગરખાં અથવા તો બૂટ ચંપલ બહાર ઉતારો અને આપણે સૌ તેનું અનુસરણ પણ ચુસ્ત રીતે કરતા હોઇએ છીએ. પરંતુ આ જ બાબતને શાયરે જરા જૂદા પરિ પ્રેક્ષ્યમા લઇને એવું કહ્યું છે કે એ જ્યારે મંદિરે ગયા ત્યારે એમને માટે તો મંદિરનું દ્વાર જ બોલ્યુ કે પગરખાં નહિ પણ તમારા મનના અભરખા એટલે કે ઇચ્છાઓ અપેક્ષાઓ એ બધું જ અહીં બહાર મૂકીને જાઓ.
ભગવાન પાસે જ્યારે જઇએ ત્યારે એકદમ સાફ હ્રદય લઇ ને જવા બાબતે કવિએ સૂચન કરેલ છે. ઇશ્વરની પાસે યાચક કે ભિખારી બનીને જવાની કોઇ જરુરત નથી કેમ કે કોને શું ખૂટે છે ? કોની કેટલી અને કેવા પ્રકારની જરુરિયાત છે તે ઇશ્વર તો જાણે છે એટલે એની પસે જઇ આપણા દારિદ્રની કથા કહેવાની નથી. એની પાસે તો હસતા અને પ્રસન્ન હ્રદયે જવાનું છે. નિખાલસતા પૂર્વક પ્રાર્થના કરવાની છે. પોતાના નહિ પરંતુ સમગ્ર જગતના કલ્યાણની જ વાત કરવાની છે.
અન્યના કલ્યાણ માટે કે પછી પોતાના સ્વાર્થ સિવાયની વાતો લઇને આવતા ભક્તો ઇશ્વરને હંમેશાં ગમતા રહ્યા છે. એટલે આપણે પણ આ શેરમાંથી બોધ લઇ હવે જ્યારે જ્યારે મદિર કે અન્ય કોઇ ધર્મસ્થાને જઇએ ત્યારે આપણી ઇચ્છાઓ આકાંક્ષાઓ મદિરની બહાર મૂકીને માત્ર સ્વચ્છ અને ખાલીખમ હૈયું લઇને જવાનો સંકલ્પ લઇએ. અને પ્રભૂને ભાવપૂર્વક વંદન કરી મનને શાંત કરવાનું છે. જે કંઇ કરવાનું છે તે તો ઇશ્વરે જ કરવાનું છે એટલે આપણે બીજી કોઇ ચિંતા કરવાની નથી.
- અનંત પટેલ