* ગમતાનો કરીએ ગુલાલ *
“યાદ કરું ને સામે મળવું ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું ક્યાં સહેલું છે ?
ભર ચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું ક્યાં સહેલું છે?”
– રાજેશ મહેતા “રાજ”
રસ્તે જતા હોઇએ અને મનમાં આપણું પ્રિય પાત્ર યાદ આવ્યું હોય અને તરત જ એ પાત્ર એકાએક સામે જ મળી જાય તો? કેટલો રોમાંચ અને આનંદ પ્રગટી જાય છે? ઘડીભર તો એમ પણ થાય કે આ સપનું તો નથી ને? પરંતુ દોસ્તો શાયર કહે છે કે આવી રીતે પ્રિય પાત્રને યાદ કરીએ કે તરત તે મળી જ જાય તેવું બનતું જ નથી, તેવું બનવું એ સહેલી બાબત નથી.
પરસ્પરને ખૂબ ચાહતા હોઇએ, એક ને બીજા વગર ચાલે નહિ તેવી સ્થિતિ હોય તે છતાં બન્ને પાત્ર એકબીજામાં ઓગળી જાય એ પણ એટલું સરળ નથી. ચોમાસાના દિવસો હોય, મોરલા ટહેંકતા હોય, આકાશમાંથી ચારે કોર કાળાવાદળ ઝીણું ઝીણું વરસવા લાગ્યાં હોય, વીજળી રાણી જાણે કે એ વાદળમાં સંતાકૂકડી રમતી હોય,વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય…….ને આવા મનોહર સંજોગની વચ્ચે કવિએ બારી પાસે બેઠાં બેઠાં અંતરમાં વિરહની વ્યથાથી પ્રગટતી બળતરાની વાત ખૂબ જ સુંદર રીતે રજુ કરી છે. કહ્યું છે કે આવે રીતે બળવું પણ કાંઇ સહેલું નથી. અરે અમે તો એવું ઇચ્છીએ છીએ કે સાહેબ આવી ભીની એકલતામાં બળવાનું કોઇના જીવનમાં પણ આવજો જ નહિ.
સુંદર ક્ષણોમાં સુંદર સાથ- મનગમતો સાથ- દરેકના જીવનમાં હરહંમેશ છવાઇ રહે તો બધાને માટે આનંદ આનંદ થઇ જશે. કવિએ આ બન્ને શેર દ્વારા પ્રિયજનોનાવિરહની કે પછી થનારા મિલનની ઘડીઓ સૌને અદભુત રીતે યાદ કરાવી દીધી છે.