ગમતાનો કરીએ ગુલાલ
” ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે ?
અરે, ચાલ્યું ગયું કોઇ, અને અહીં થાક લાગ્યો છે.”
-શ્રીઉશનસ
જીવનની સફર પોતાને ગમતા મિત્રો અને સાથીઓની સાથે કરવાની મઝા કંઇક ઓર હોય છે. વળી બાલ્યાવસ્થામાં જેમની સાથે રમ્યા અને ભણ્યા હોઇએ તેવા મિત્રો કાયમ આપણી સંગ રહે તો એ આપણને ખૂબ જ ગમે છે. એમાંથી કોઇ આપણો સાથ છોડી જશે એવી કદાચ કલ્પના આપણે નથી કરતા. જેના સહવાસમાં જીવન જીવ્યા હોઇએ અથવા બીજી રીતે કહું તો જેની સાથે આપણે જીવનને માણ્યું હોય છે તેવી કોઇ વ્યક્તિ અચાનક જ આપણો સાથ છોડી જાય છે ત્યારે આપણને જબરદસ્ત આઘાત લાગે છે. એમ બન્યા પછી આપણને એમ લાગે છે જાણે કે આપણા શરીરનુ કોઇ અંગ કપાઇ ગયું છે. આપણને અધવચ્ચે મૂકીને કોઇ ચાલ્યું જાય છે ત્યારે એનો વિરહ એટલો બધો વસમો થઇ પડે છે કે પૂછો ના વાત.
અહીં કવિ કહે છે કે હું ગમે તેટલું ચાલું પણ તેના કારણે મારા પગ બિલકુલ થાકતા નથી. પરંતું કોઇ બીજુ એવું અંગત જણ મારા જીવનમાંથી ચાલ્યું જાય છે ત્યારે તેના ચાલવાનો અથવા તો ચાલ્યા જવાના કારણે હું પડી ભાંગુ છું , મારું આખું શરીર દુ:ખતું લાગે છે. મેં ભલે એકે ય કદમ માંડ્યું નથી હોતું તો ય મારા પગ સખત દુ:ખતા હોય તેવું મને લાગે છે. આમ પગ દુખતા હોવાનાં બે કારણો જણાય છે.
– જીવનમાંથી ચાલી જનારી બીજી વ્યક્તિ કવિની અંતરંગ વર્તુળની છે. તેનો સાથ ગુમાવ્યાનું દુ:ખ વેઠી શકાય તેવું નથી.
– માણસ પોતે પોતાના કામે ચાલતો હોય ત્યારે પણ તેને થાક તો લાગતો જ હોય છે પણ તે પોતે કામના ઉત્સાહના લીધે જરા પણ થાકતો નથી. જ્યારે આ શેરમાં જણાવ્યા મુજબ કોઇ બીજી મહ્ત્વની વ્યક્તિ ચાલી જાય છે તેથી તેની ભવિષ્યની ગેરહાજરીને કારણે જે પરિસ્થિતિ ઉભીથનાર છે તેની કલ્પના માત્રથીકવિને થાક લાગ્યો છે તેવું કહે છે.
- અનંત પટેલ