” પામવાની ઝંખના ક્યારેક પજવે છે સતત,
રંજ ગુમાવ્યા તણો એથીય અદકો હોય છે. “
-શ્રીફિલીપ ક્લાર્ક
શ્રી ફિલીપક્લાર્કની એક ગઝલનો આ શેર છે. આ શેર કશુંક મેળવવા સતત ઝંખ્યા કરતા અને મળ્યા પછી એને ગુમાવવા બદલ વધારે દુ:ખી થતા લોકોને સરસ બોધ આપી જાય છે. મનુષ્યને તેના જીવનમાં કશુંક પામવાની ઝંખના તો હોય જ છે. કોઇને ધન દોલતની, કોઇને મિલકતની, કોઇને મોટા માન મરતબાની તો કોઇને પોતાના પ્રિય પાત્રને પામવાની ઝંખના હોય છે.
કવિ કહે છે કે કશુંક પામવાની ઝંખના પણ માનવીને સતત પજવ્યા કરતી હોય છે. માણસ પોતાની ઝંખનાને સફળ થતી જોવા ખૂબ પ્રયત્નો પણ કરતો હોય છે તેમ છતાં નસીબમાં તેનો જો યોગ લખ્યો હોય તો જ તે જે તે સમયે પ્રાપ્ત થઇ શકે છે. આમ મણસને કોઇ વસ્તુ/વ્યક્તિને પામવાની ઝંખના પરેશાન કરે છે. પરંતુ તેનુ મિલન થયા પછી જો તે ગુમાવવાનું બને તો તે ગુમાવ્યાનો રંજ તેને મેળવવાની ઝંખના કરતાં ય વધારે થાય છે. આ સ્થિતિના નિવારણ મટે એમ કહી શકાય કે મનુષ્યે પોતાની ઝંખનાઓ મર્યાદિત રાખવી જોઇએ.
પોતાની આર્થિક સ્થિતિ, લાયકાત અને સામાજિક ક્ષમતા ધ્યાનમાં રાખીને જો મર્યાદિત સ્વરૂપની ઝંખનાઓ રાખીએ તો તે પ્રાપ્ત કરવા સુધી કોઇ પજવણી થતી નથી. અને પ્રાપ્ત થયા પછી પણ એના માટેની ઘેલછા એટલી બધી ન રાખવી જોઇએ કે જો એને ગુમાવવાનું બને તો એને ગુમાવવાની પીડા અસહ્ય ન બની જાય.
કવિએ તો સત્ય હકીકત શેરમાં વ્યક્ત કરી છે પરંતુ એ સત્યને જાણ્યા પછી આપણે આપણી ઝંખનાઓ માપની જ રાખવી જોઇએ જેથી તેને મેળવવા – પામવાનાપ્રયત્નોમાં નિષ્ફળતા મળે તો પણ પરેશાની ન થાય અને જે પ્રાપ્ત કર્યુ હોય તેનો મોહ પણ એટલો બધો ન રાખવો જોઇએ કે જો તેને ગુમાવવાનું બને તો પણ તેનો રંજ અતિશય ન થાય.
- અનંત પટેલ