” એકે ય રંગ આપણે પહેરી શક્યા નહિ,
સો વાર પેલા મોરનાં પીંછાં મળી ગયાં. “
— શામ સાધુ.
લોકોના જીવનમાં બનતી હકીકતને અહીં કવિએ બયાન કરી છે. મોર આપણા આંગણે એક કે બે નહિ પરંતુ સો વખત આવી ગયો, એનાં રંગ બે રંગી પીંછાં પણ વેરી ગયો તે છતાં આપણે એમાંથી એક પણ રંગ પહેરી શક્યા નહિ અર્થાત અપનાવી શક્યા નહિ તેનો અફસોસ કવિએ વ્યક્ત કરેલ છે.
તમારા કે મારા જીવનમાં ઘણી બધી સરસ તકો આવતી હોય છે, પરંતુ તેને આપણે ઝડપી શકતા નથી.કોઇ સંતની વાણી આપણે કંઇ કેટલીય વાર સાંભળીએ છીએ તે છતાં આપણે તો જેવા હતા તેવા કોરા ધાકોર જ રહીએ છીએ. કવિએ આ શેર મારફતે મનુષ્યમાં રહેલી નબળાઇઓ તરફ કટાક્ષ કરીને ધ્યાન દોર્યું છે. તમારી પાસે ઘણી બધી તકો આવે પણ તમે એવા તે કેવા કે એમાંથી એકાદ તકને પણ ન ઝડપી શકો ??કેટલીક એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે જેમને આપને આવનારી તકો બાબતે આગાહ કરેલી હોય છે તે છતાં પણ તે કશું કરી શકતા નથી.
તમે તમારી આજુબાજુમાં આવાં ઘણાં બધાં પાત્રો જોતા જ હશો, પછી પાછી નવાઇની વાત એ હોય છે કે આવા લોકો આમાં પોતાની નબળાઇ કે અસમર્થતા સ્વીકારવાને બદલે તેમના નસીબને દોષ આપ્યા કરતા હોય છે. અરે ભાઇ તું તારી ખામી શોધી લે, એને સ્વીકારી લે અને પછી તે દૂર કરી દે તો તને સફળતા મળી જ જશે. આ શેરમાંથી બીજો છૂપો સંદેશ એ પણ લેવાનો છે કે આવી તક અમુક સમય પછી ન પણ આવે તેવું ય બને ને પછી આપણે કાયમને માતે એનાથી વંચિત રહેવાનુ આવે એના કરતાં તેને ઝડપવાનું શીખી લેવુ જોઇએ. તક એટલે આપણી સમક્ષ આવતી નવી પરિસ્થિતિ. આપણે તેને પારખીને તેમાંથી આપણને જે કંઇ અનુકૂળ લાગે તેટલું સ્વીકારી લઇશું તો પછી આપણને તે તક ગુમાવ્યાનો કશો અફસોસ રહેશે નહિ. તો ચાલો ઉભા થઇ જાવ અને આવનારી તકોનો સદુપયોગ કરવા તૈયાર થઇ જાવ.
- અનંત પટેલ