ગમતાનો કરીએ ગુલાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

                    ” જતાં ને આવતાં મારે જ રસ્તે;
             બની પથ્થર હું પોતાને નડ્યો છું. ”
                                  –– શયદા 

            ઘણી વાર વ્યક્તિ  પોતાની ભૂલોને કારણે જ નિષ્ફળતા મેળવતો હોય છે. સાદા અર્થમાં લઇએ તો દરેક માણસે રસ્તે ચાલતી વખતે રસ્તા ઉપર જ ધ્યાન રાખવું જોઇએ. જો તે આમ તેમ ડાફોળિયાં મારતો ચાલે તો સ્વાભાવિક છે કે રસ્તામાં આવતા ખાડા ખડિયા કે નાના મોટા પથરા તેને દેખાતા નથી. અને તેને ઠોકર વાગતાં તે પડી જાય છે અને તે રીતે તે નાહકની ઇજા કે પીડા વહોરી લે છે. કવિ આ જ બાબતે આ નાનકડા  શેર મારફતે પોતાનું જ ઉદાહરણ આપીને આપણી સૌની આંખો ખોલવાનો  પ્રયાસ કરી રહ્યા છે.

કોઇને બોધ કે ઉપદેશ આપવો હોય તો જો એને તમે સીધે સીધુ કહેશો તો એ એને નહિ ગમે પરંતુ જો તમે એ જ વાત તમારી પોતાની જાત સાથે સાંકળીને કહેશો તો પેલો માણસ એને ધ્યાનથી સાંભળશે તો ખરો જ.  એટલે કવિએ અહી કહ્યું છે કે ભાઇ હું મારા જ રસ્તા  ઉપર જતાં કે આવતાં પથરો બનીને હું મને જ નડ્યો છું. આનો અર્થ એમ છે કે કવિ પોતે જ પોતાના વિકાસની આડે આવ્યા છે અથવા તો પોતે જ પોતાને નડ્યા છે. એમણે  કરેલી ભૂલો એમના જ માર્ગમાં પથ્થર બનીને નડતી રહી છે. તમને તમારું ધ્યેય હાંસલ કરવામાં બીજુ કોઇ નડતુ હોય એ તો સમજી શકાય પણ  અહીં તો કવિ કહે છે કે તે પોતે જ પોતાને નડ્યા છે. મતલબ આમાંથી આપણે  એવો સાર ગ્રહણ કરવાનો છે કે જીવનમાં આપણે  કોઇપણ નવું કામ હાથ પર લઇએ ત્યારે તેના માટે પૂરતી કાળજી લેવી જોઇએ, તેને માટે આવનારી સંભવિત મુશ્કેલીઓનો પણ અંદાજ મનમાં રાખવો જ જોઇએ જેથી કરીને એવું કશું ક આવે તો આપણે પાછા ન પડીએ અને ડર્યા  કે ગભરાયા વિના આપણે સફળતા મેળવી શકીએ. કમસે  કમ આપણે પોતે તો આપણી  જાતને નડતરરૂપ ન બનીએ તેવો કવિનો સંદેશ છે.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article