ગમતાનો કરી ગુલાલ
” ઠોકરો પીડા નહિ પણ પાઠ છે,
એ વિના થતું ખરું ઘડતર નથી.”
— નટુભાઇ પંડ્યા
માત્ર બે જ સરળ લીટીઓમાં શાયરે જબરદસ્ત વાત કહી દીધી છે. જીવનમાં ઠોકરો કોને નથી વાગતી ? નાનું બાળક જ્યારે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે એ કેટલી વાર પડી જાય છે. એને કેટલી બધી તકલીફ પડે છે ?? નાનુ બાળક જ્યારે ચાલવાનું શીખે છે ત્યારે તેની માતા તેના પડી જવાની ચિંતા કર્યા વિના એને ચાલવાના પ્રયત્નોમાં કેટલી બધી મદદ કે પ્રોત્સાહન આપે છે ?? ઘણી બધી વાર પડી જવા છતાં પણ તે બાળક સફળતા પૂર્વક ચાલતાં શીખી જ જાય છે અને પછી તે કુંટુંબમાં તેનો આનંદ છવાઇ જાય છે. આવી જ રીતે વ્યક્તિ જ્યારે જીવનમાં કશી ક નવી શરૂઆત કરે છે, એ કોઇ નવી દિશામાં જવાનું શરૂ કરે છે, એ કોઇ સાવ અજાણ્યા ધંધામાં ઝંપલાવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેમાં તેને ઘણી જ અડચણોનો સામનો કરવાનો આવે છે.એને ઘણી બધી ઠોકરો વાગે છે. આવી ઠોકરો વાગે છે, તેને હતાશા સાંપડે છે ત્યારે કવિ તેને કહે છે કે આ ઠોકરોથી તેણે ગભરાવાનું નથી. તેને પીડા ગણવાને બદલે એના સુંદર ભવિષ્ય માટેનો પાઠ ગણવાનો છે.
આમ ઠોકરો એ પીડા નથી પણ સુખી સમૃધ્ધ જીવન તરફ જવા માટેનો પદાર્થ પાઠ છે તેમ સમજવાનું છે. જીવનમાં બેઠાં બેઠાં કંઇ સફળતા મળતી નથી. તેને માટે જીવનમાં અતિશય સંઘર્ષ અને પુરુષાર્થ કરવો જ પડે છે. મહાન ઉધોગપતિઓ કે મહાન પુરુષો અને સંતોનાં જીવન ચરિત્રો વાંચીએ તો આપણે જાણી શકીશું કે તેમને તેમના જીવનમાં ક્યારે ક્યારે કેવડી મોટી ઠોકરો ખાધેલી હોય છે. આપણે જીવનમાં નિષ્ફળતારૂપી ઠોકર મળે ત્યારે તેને પીડા ગણવાને બદલે તેમાં થયેલી ભૂલ કે ક્ષતિને બીજી વારના પ્રયત્ન વખતે દૂર કરવાનો પદાર્થ પાઠ લેવો જોઇએ તેવું કવિ અહીં આપણને સમજાવે છે.
- અનંત પટેલ