” એ પણ હતો સમય, હતાં મુજ પર દુ:ખો સવાર,
આ પણ સમય છે, પોતે દુ:ખો પર સવાર છું. “
શ્રી જલન માતરી
આ શેર વાંચતાં જ જે દુ:ખના ભાર નીચે દબાઇ ગયેલા છે તેમને નવું જીવન જીવવાની પ્રેરણા મળે છે. કવિ કહે છે કે , તેમના જીવનમાં એવો ય સમય હતો કે , ઘણાં બધાં દુ:ખ, વેદનાઓ અને મુશ્કેલીઓ તેમના ઉપર સવાર થઇ ગયાં હતાં. ઘોડો જેમ તેની ઉપર સવાર થનારના નિયંત્રણમાં હોય છે તેમ જો દુ:ખ અને મુશ્કેલીઓ આપણા ઉપર સવાર થઇ જાય અથવા આપણે નિર્બળ થઇને તેને આપણા ઉપર સવાર થવા દઇએ તો આપણે દુ:ખના નિયંત્રણ હેઠળ આવી જઇએ છીએ. આપણે દુ:ખના ભાર નીચે દબાઇને હતાશ થઇ જઇએ છીએ અને તેમ થવાથી પછી આપણે સ્વતંત્ર રીતે વિચારી પણ શકતા નથી. કવિ આગળ કહે છે હવે એવો સમય પણ આવ્યો છે કે, તેઓ પોતે દુ:ખ પર સવાર થઇ ગયા છે.
અહીયાં કવિનું તાત્પર્ય એ છે કે , માણસે જીવનમાં જે કંઇ દુ:ખ, તકલીફો કે વિડંબનાઓ આવે તેનાથી ડરી જવાની જરૂર નથી જ . કોઇ હિન્દી ફિલ્મમાં ડાયલોગ આવે છે કે , જો ડર ગયા સમજો મર ગયા ! એટલે આવું ન બને તે મટેમાણસે જીવનમં જે કંઇ સંકટ કે પ્રશ્નો આવે તેનાથી ડરવાને બદલે તેનો સામનો કરતાં શીખવું જોઇએ. જો આપણે દુ:ખથી ડરી જઇએ તો દુ:ખ આપણને વધારે ડરાવે છે, દબાવે છે અને અંતે નિરાશાની ઉંડીગર્તામાં માણસ ધકેલાઇ જાય છે, પરંતુ તેને બદલે માણસે દુ:ખ ઉપર સવાર થવાની આવડત કેળવવા માટે કવિએ સૌને ઇજન આપ્યું છે. દુ:ખો મારા ઉપર શું કામ સવાર થાય ? હું જ દુ:ખો ઉપર સવાર ન થઇ જાઉં ? જો આપણે આવતાં દુ:ખનોસામનો કરવા સજ્જ થઇએ તો પછી એ દુ:ખ, દુ:ખ જેવું રહેતું જ નથી. દરેક વ્યક્તિએ જીવનમાં દુ:ખને પોતાના પર છવાઇ જવા દેવું જોઇએ નહિ. જો આમ થાય તો વ્યક્તિને જીવનમાં કોઇ દુ:ખ , સમસ્યા કે સંકટ જેવું લાગતું જ નથી.
- અનંત પટેલ