ગમતાનો કરીએ ગુલાલ – ૩૩

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

           ” જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
             છે શબ્દો ય જુદા અવાજે અવાજે; “
                                      -શ્રી ગાફીલ

          શ્રી મનુભાઇ ત્રિવેદીની એક ગઝલનો આ શેર મને ખૂબ ગમે છે. આમ તો આ શેર જે ગઝલમાંથી લીધો છે તે આખીય ગઝલ જોરદાર છે. તેના દરેક શેર ઉપર ઘણું બધુ લખી શકાય તેમ છે.

આ શેરની પહેલી પંક્તિ અથવા તો મિસરામાં શાયર કહે છે કે એક જ શ્બ્દના બોલવા આધારે તેના અર્થ જૂદા જૂદા નીકળી શકે છે. દાખલા  તરીકે  તમે ” મારો ” શબ્દ જ લો. કોઇ વ્યક્તિ કે વસ્તું તે આપણી માલિકીની છે તેમ બતાવવું હોય ત્યારે આપણે મારું, મારો કે મારી એવો શબ્દ વાપરીએ છીએ.પરંતુ તમે કોઇને ફટકારવા માગતા હોવ કે કોઇએ તમને વગાડ્યું હોય કે ઇજા કરી હોય ત્યારે ત્યાં આગળ મારવું કે માર્યુ કે હું મારું તેવા શબ્દનો ઉપયોગ થાય છે જેનો અર્થ જૂદો જ થાય છે. આમ એક જ શબ્દના તેના ઉપયોગ પ્રમાણે જૂદા જૂદા અર્થ નીકળી શકે છે.

આ જ શેરની બીજી પંક્તિ અથવા મિસરામાં શાયરે એવી વાત કરી છે કે શબ્દો પણ અવાજ પ્રમાણે ( અર્થ ) બદલાય  છે. દાખલા તરીકે તમે કોઇને વહાલથી

“મારી વહાલી, હુ ક્યારનો તારી વાટ જોઉં  છું  તારા વગર મને તો જરી ય નહિ ચાલે”

એમ બોલો તો આમાં તમારો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત થાય છે. પરંતું આજ શબ્દો તમે ક્રોધ કરીને આ રીતે કોઇ દુશ્મનને  બોલો,

” મારા વાલા, ક્યારનો તારી વાટ જોઇ જોઇને થક્યો છું આજ તો તારી ખેર નથી હા…. “

આમ અહીં શાયરે એક જ શબ્દના પ્રસંગ પ્રમાણેના જૂદા જૂદા અર્થ અને એક શબ્દ કે વાક્યનું  લહેંકા કે અવાજ પ્રમાણે થતું ઉચ્ચારણ પણ  તેનો અર્થ બદલી નાખે તે બાબત મોંઘમ રીતે આપણને સમજાવી હોય તેમ લાગે છે. બીજી પંક્તિમાંથી એવો પણ અર્થ તારવી શકાય છે કે દરેક અવાજ સાથે શબ્દો પણ જૂદા જૂદા વપરાતા હોય છે. અહીં કદાચ સ્ત્રી પુરુષના અવાજ સંદર્ભની અથવા તો યુવાન, બાળક કે વૃધ્ધના અવાજ સંદર્ભની વાત કવિને અભિપ્રેત હોય તેમ લાગે છે.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article