“અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?”
— અનિલ ચાવડા
અહીંયાં શાયર કહે છે કે ઇશ્વર તો આપણને ઘણું બધું આપવા માટે તૈયાર જ છે. તે તો લેનાર કોઇ આવે તો તેને સર્વસ્વ આપી દેવા ઉત્સુક જ છે, પરંતુ આપણે પ્રભૂ પાસે માગવામાં જ કદાચ શરમ કે ડર અનુભવતા હોઇએ છીએ જે બરાબર ન કહેવાય. વળી કવિ આગળ એવો વ્યંગ પણ કરે છે કે કેટલાક લોકોને તરસ દરિયાની હોય છે પણ માગવા માટે એક નાની ચમચી લઇને જાય છે… અલ્યા આપનાર મોટો સમર્થ છે, તેને ત્યાં કાંઇ કશી કમી નથી તો પછી માગનારે શું કામ ગભરાવું ? જીવનમાં ઘણા ખરા એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણે જે કરવાનું છે કે વિચારવાનું છે તે કરતા નથી અને કંઇક જૂદુ જ કરતા હોઇએ છીએ. આમાં મને આપણી એક જૂની કહેવત પણ યાદ આવે છે કે ” છાશ લેવા જવું ને દોણી સંતાડવી ” કવિએ આપણે દોણી સંતાડીએ છીએ એવું તો નથી કહ્યુ પણ જેની જરૂર છે તે માગતાં આપણે અચકાઇએ છીએ એવું તો અવશ્ય કહ્યુ છે. નાનું બાળક હોય એને દાદાજી પાસે જે માગવું જોઇએ તે એ ન માગે ને બેસી રહે તો દાદાજી એમાં શું કરી શકે ? એ બાળકે ઝટ દઇને બોલવું જોઇએ કે
“ દાદા મારે આ જોઇએ છે અથવા મારે આમ જ કરવું છે”
જ્યાં સુધી તમે કશું સ્પષ્ટ ન કહો ત્યાં સુધી તમારું કામ આગળ ચાલે નહિ. કેટલીક વાર આપણે આપણી રજુઆત સરખી રીતે નથી કરી શકતા એ બાબત તરફ કવિ અંગુલિ નિર્દેષ કરતા હોય તેવું પણ લાગે છે. દરિયાની તરસ હોય ત્યારે ચમચી લઇને ઉભા રહેવું તેનો અર્થ એ જ થાય છે કે તમે શું ચાહો છો તે બરાબર સ્પષ્ટ કરી શકેલ નથી. અને આવા સંજોગોમાં આપણને ઇચ્છિત ફળ પ્રાપ્ત ન થાય તે પણ એટલું જ સ્વાભાવિક છે. કવિએ સમર્થ દાતાર પાસે આપણે આપણી માગણી સાચી અને ચોક્કસ રીતે કરવી જોઇએ તે બાબત આ શેરમાં સુંદર રીતે વણી લીધી છે.
અનંત પટેલ