ગમતાનો કરીએ ગુલાલ
” સુખ અને સુખ નહીં ખપે મને ,
દુ:ખ જરા હો કદી ગમે તો છે. “
–શ્રીસોલિડ મહેતા.
જોયું ? કવિને માત્ર સુખ અને સુખ મળે છે તો એ ય નથી જોઇતું. વાહ ….એમને દુ:ખ પણ જોઇએ છે. એ દુ:ખ સામે ચાલીને માગે છે. એ શું કામ આવું ઇચ્છતા હશે ? દેવોને પણ સ્વર્ગમાં સતત સુખ અને સુખ મળે છે એટલે તો એ ય પણ ધરતી પર અવતરવાતલસતા નહિ હોય ને ? જો દુ:ખ હોય તો જ સુખનો મહિમા છે. સતત સુખ માણસને અબોખું પડી જતું હોય છે. તમને કાયમ અમુક પ્રકારની સુવિધાઓ અવિરત રીતે મળતી જ રહે તો તમે પણ એનાથી કંટાળી જાઓ એવું પણ બની શકે છે. કવિએ અહીં દુ:ખનો મહિમા ગાવાનો પ્રયાસ કરેલ છે અને તે એટલો જ સાચો પણ છે.
બીજી એક બાબત એવી પણ ધ્યાને આવે છે કે માણસ જો સતત સુખમાં જ રહે તો એ નવું કશું જ કરી નથી શકતો. સંઘર્ષ પણ જીવનમાં ખૂબ મહત્વનો છે. તમે આખો દિવસ મહેનત કરો અને પછી જમવા બેસો છો ત્યારે એ ભોજન તમને અત્યંત મીઠું લાગે છે. માત્ર બેઠાં બેઠાં તમને કોઇ બે ટાઇમ ભોજન આપી જાય તો એ બધુ યંત્રવત લાગે છે . એની કાંઇ મઝા જ હોતી નથી. જેના જીવનમાં પડકારો છે તેના જીવનની મઝા જ કંઇ ઓર હોય છે. માતા પિતા તરફથી તમને અમૂલ્ય વારસો મળ્યો હોય તો એને તમે સાચવોભોગવો એ બધાની ના નથી પણ થોડો ઘણો માનસિક કે શારીરીક થાક મળશે તો પછી એ સુખની મઝા ઘણી વધી જશે. ટૂકમાં માત્ર સુખ અને સુખ કાયમ માટે રહે તે કવિને ગમતું નથી. કોક વાર દુ:ખનો અનુભવ પણ જરૂરી છે
- અનંત પટેલ