ગમતાનો કરીએ ગુલાલ
” ગર્વ કરનારા યુવાની પર સમજ,
ડેલીએ બેઠું છે ઘડપણ જોઇ લે…”
–શ્રી અઝીઝકાદરી
આ શેરમાં શાયરે યુવાનો અને ખાસ કરીને એવા યુવાનો જે ખૂબ ગુમાનમાં આવી ગયા છે અને સારા નરસાનું ભાન ભૂલી ગયા છે તેમને ચીમકી આપી છે વળી ઘરમાં બેઠેલા વૃધ્ધો તરફ ધ્યાન દોરીને આવું જ ઘડપણ તેમને પણ એક દિવસ આવવાનું છે તેનું ભાન કરાવ્યું છે. મનુષ્યના જીવનના ત્રણ તબક્કા છે તે સૌ કોઇ જાણે છે. બચપણ, યુવાની અને ઘડપણ. માણસે યુવાની દરમિયાન પોતાના ઘર અને કુટુંબને માટે અર્થ ઉપાર્જન અને દરેક સભ્યની કાળજી લેવાનું મુખ્ય કાર્ય કરવાનું હોય છે. જે કાળજી લેવાની છે તેમાં બે પ્રકારની કાળજીની વાત આવે એમ મને લાગે છે. પોતાના ઘરમાં કે ડેલીમાં જે વડીલો હયાત બેઠા છે તેમની બરાબર સાર સંભાળ રાખવી અને પોતે પણ એક દિવસે એ તબક્કામાં આવવાના છે તેનો ખ્યાલ રાખી તેને માટે કશું ક આયોજન અત્યારથી જ વિચારવું જોઇએ.
આજના દરેક યુવાને આછકલા બનવાને બદલે થોડા ધીર ગંભીર બનવા તરફ પણ ધ્યાન આપવું જોઇએ એવો કવિનો સંકેત જણાય છે. યુવાને તેની યુવાની પર ગર્વ કરવાનો નથી. જવાની તો જવાની જ છે . એને કોઇ રોકી શક્યું નથી એટલે એના પર અભિમાન કરવાને બદલે એનો સદુપયોગ કરી ભાવિ જીવન માટે ઉત્તમ ભાથુ તૈયાર કરી લેવા કવિએ અંગુલિ નિર્દેષ કરેલો છે. ખૂબ ગર્વિષ્ઠ અને બેફામ બનવાથી ક્યારેક યુવાનીના લીલાછમ્મ છોડને કોઇની નજર લાગી જાય તેવું પણ બની જતું હોય છે ને તે કારણે તે છોડ યુવાનીમાં જ કરમાઇ જાય તેવું પણ બને છે. તો આવું કોઇના ય જીવનમાં ન બને તે અતિ જરુરી છે. વળી ઘડપણ એ એવી બાબત છે જે માત્ર આવે જ છે તે જવાનું નથી હોતું કેમકે તે જ્યારે જાય છે ત્યારે તે તમને સાથે લઇને જ જાય છે.કવિએ દરેક યુવાનને સુંદર આત્મજ્ઞાન આપેલ છે.
- અનંત પટેલ