ગમતાનો કરીએ ગુલાલ
“વધારે હોય પૈસો યાર, તો માણસને ઉભા કર,
તું ઇશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે; “
– હિતેન આનંદપરા
આ શેરમાં કવિએ સહજ શબ્દોમાં ખૂબ મોટી વાત આપણને કરી છે. જે ધનવાન અને સાધન સંપન્ન લોકો છે તેમને સંબોધીને અહીં વાત કરવામાં આવી છે. મોટી મોટી ધર્માદા સંસ્થાઓ અને ટ્રસ્ટોને પણ કવિ કંઇક કહેતા હોય તેવું લાગે છે. તમારી પાસે ધનનો ભંડાર છે તો સારી વાત છે. ઇશ્વરની તમારા પર દયા છે ને એણે તમને ખોબલે ખોબલે સમૃધ્ધિ પૂરી પાડી છે તો એ આનંદની વાત છે. પરંતુ ભગવાને તમને એ ધનમાંથી એના માટેનાં નવાં નવાં મોટાં આલિશાન મંદિરો બાંધવાનું કહ્યું નથી, નવા બંગલા અને નવી નવી સોસાયટીઓ નવી ઉંચી ઉંચી બિલ્ડીંગો ઉભી કરવાનું ભગવાન ક્યારેય કહેતા નથી.
કવિના કહેવા મુજબ માલેતુજાર અને સાધન સંપન્ન લોકોએ ભગવાનનાં મોટાં મંદિરો બનાવવાને બદલે પડી ગયેલા માણસોને ઉભા કરવાના પ્રયત્નો કરવા જોઇએ. જે જરૂરિયાતવાળા છે, જે ગરીબ છે, જેમને સહારો જોઇએ છે જે સ્વતંત્ર રીતે પોતાના પગ ઉપર ઉભા રહી શકતા નથી તેમને મદદ કરવાનું કવિ કહે છે. જરૂરિયાતવાળાને આપણે મદદ કરીએ , બેસહારાનો સહારો બનીએ તો તેના આશીર્વાદ આપણે માટે વરદાનરૂપ બની જતા હોય છે. કોઇની આંતરડી ઠારીએ તો એના આશીર્વાદથી આપણી આવનારી પેઢીઓનું જીવન સુખમય બની જતું હોય છે. મંદિરો બનાવવાં, તેની મરામત કરાવવી, રીનોવેશન કરાવવું વગેરે પણ જરૂરી હોય તેટલા પ્રમાણમાં કરાવવું જોઇએ પણ તેમાં અતિશય ધન વાપરવાને બદલે જે મનુષ્યરૂપી જીવંત મંદિરો છે તેમને સાચવવાં પણ એટલું જ જરૂરી છે. સમાજના ગરીબો અને વંચિતો માટે જો અપણે કશું ક કરીશું તો તેના લીધે પણ ભગવાન ઘણા રાજી થવાના જ છે.
અનંત પટેલ