ગમતાનો કરીએ ગુલાલ
“એ સમયની નથી લપડાક તો છે બીજું શું,
જ્યાં હતા મ્હેલ ત્યાં આજે તને કંકર મળશે.”
—શ્રી મહેક ટંકારવી.
જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે શું નું શું થઇ જાય છે તે બાબત તરફ શાયરે અસરકારક રીતે ધ્યાન દોરેલ છે. સમય કેટલો બળવાન છે તે પણ આપણે સમજવું રહ્યું. બીજી આ જ બાબત દર્શાવતી કડી પણ છે કે “કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી બાણ.. ” આમ સમય જીવનમાં બહુ જબરદસ્ત પરિબળ છે. એ રાજાને રંક બનાવી દે છે તો રંકને રાજા પણ બનાવ્યાના ઘણા દાખલા આપણે જોયા છે. આમાંથી એક આડકતરો સંદેશ પણ મળે છે કે જ્યારે આપણે ત્યાં જાહોજલાલી હોય ત્યારે આપણે તેમાં છકી જવાને બદલે તે સમયે ભવિષ્યનો વિચાર કરી તેમાંથી કંઇક બચાવવાનો પ્રયત્ન કરવો જોઇએ જેથી કરીને જ્યારે કોઇ દુ:ખની ઘડીઓ આવે ત્યારે આપણે ભાંગી ન પડીએ અને સ્વસ્થતાથી જીવન વ્યતીત કરી શકીએ.
ઇતિહાસ પર નજર કરીએ તો એક સમયના રાજા મહારાજાઓના વારસો આજે ક્યાંય શોધ્યા જડતા નથી. સમયના સપાટાએ તેમના હાલ હવાલ બૂરા કરી દીધા છે. વિશાળ ગગનચૂંબી મહેલાતો ક્યારે અને કેવી રીતે તૂટી પડશે તે કળવું અશક્ય છે. એટલે આપણા માટે તો સારામાં સારો ઉપાય એ જ છે કે સુખના સમયમાં આપણે ભવિષ્ય માટેનું પણ આયોજન કરી રાખવું જોઇએ જેથી કરીને દુ:ખના સમયમાં આપણે કોઇ સમક્ષ હાથ લંબાવવો પડે નહિ. જે લોકો આવી દીર્ઘ દ્રષ્ટી રાખતા નથી તેમને અંતે દુખી થવાનો વારો આવે જ છે. તમારી પાસે જે સમય છે તેનો તમે સદુપયોગ ન કરો તો એ સમય તમને લપડાક મારે જ છે. ચાલો આજથી જ આપણે આપણા સમયને ઓળખીને તેનો સદુપયોગ કરવાનું શરુ કરી જ દઇએ.
અનંત પટેલ